Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૨, શ્રાવણ વદ ૭, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૬૩

મુખ્ય સમાચાર :
કઠલાલ ચોકડીએ રીક્ષામાં મરઘી ભરવા બાબતે યુવક સહિત ત્રણ પર જીવલેણ હૂમલો
જો કે સામે પક્ષે પણ બે વ્યક્તિને ઈજા થઈ, બંને પક્ષોની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ
28/06/2022 00:06 AM Send-Mail
બે દિવસ અગાઉ ટેમ્પામાં ઢોર ભરવા બાબતે ચકમક થઈ હતી
કઠલાલ ચોકડી ખાતે આજે સવારે બનેલા બનાવોના મૂળમાં જઈએ તો ચાર દિવસ અગાઉ ખોખરવાડાના કેટલાક લોકો ટેમ્પામાં જાનવર ભરી જતા હતા તે વખતે જીવદયાના નામે ભરવાડે જ્ઞાતિના લોકોએ તેમને હેરાન કર્યા હતા. જો કે બંને કોમના આગેવાનો વચ્ચે પડતા મામલો શાંત પડી ગયો હતો. આ બાબતની અદાવત રાખીને આજે નિર્દોષો ઉપર હૂમલો થયો છતાં પોલીસતંત્ર ચૂપ છે કેમ એ પ્રશ્નો પણ જાગૃત પ્રજામાં ઉઠવા પામ્યા છે.

સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનાને જોઈ પોલીસ તપાસ કરે તેવી માંગ
કઠલાલ ચોકડીએ ગેસ પંપ આગળ આજે બનાવ બન્યો હતો જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે ત્યારે પોલીસ આ કેમેરાની મદદથી ગુનેગારને પકડે તેવી સમયની માંગ છે. હૂમલાખોરોએ ખોટી ફરિયાદ દાખલ કરવાના પ્રયત્નો કર્યા હોવાની ચર્ચાઓ ચાલે છે ત્યારે પોલીસ માટે આ કેમેરા મહત્વના બની જશે.

ખેડા જિલ્લાની કઠલાલમાં ચોકડી પર સીએનજી પંપ પાસે ગેસ પુરાવવા આવેલા રીક્ષાચાલક સાથે ભરવાડોએ મરઘી ભરી લાવવા બાબતે ઝઘડો કરીને યુવક, તેના ભાઈ અને પિતા ઉપર જીવલેણ હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા તેઓને વધુ સારવાર માટે નડીઆદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સામા પક્ષે બે વ્યક્તિઓને માર માર્યાનો આક્ષેપ કરતા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લેવાની તજવીજ હાથ ધરી છે.

કઠલાલ તાલુકાના ખોખરવાડામાં રહેતા સદ્દામઅલી રાઠોડ આજે નિત્યક્રમ મુજબ પોતાની સીએનજી રીક્ષા નં. જીજે-૭, વાયવાય-૯૭૨૫ લઈ ખોખરવાડાથી મરઘી ભરવા માટે નજીકના ગામમાં ગયા હતા. જો કે તેમની સીએનજી રીક્ષામાં ગેસ પૂરવા માટે કઠલાલ ચોકડી પર આવેલા ગેસ પંપ પર રીક્ષા લઈને ગયા હતા. તે વખતે કઠલાલ ચોકડીએ કેટલાક ભરવાડ જ્ઞાતિના લોકો ઉભા હતા. તેમણે રિક્ષામાં મરઘી જોતા તેઓ સદ્દામની પાસે આવ્યા હતા. જેથી સદ્દામે પોતાના ભાઈને ફોન કરતા તેમનો ભાઈ અને તેમના પિતા કઠલાલ ચોકડી આવી ચડ્યા હતા. ભરવાડ જ્ઞાતિના અન્ય લોકો પણ ઈક્કો ગાડી લઈને આવી ચડ્યા હતા અને સદ્દામ તેમજ તેના પિતા અને ભાઈને માર મારતા ગંભીર ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ખોખરવાડાના કેટલાક લોકોને થતા તેઓ કઠલાલ ચોકડી આવ્યા હતા. જેથી મામલો બિચક્યો હતો અને આ ત્રણેય ઈજાગ્રસ્તોને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

સદ્દામે જણાવ્યું હતું કે હું ગેસ પુરાવા ગયો તે વખતે કેટલાક લોકો મારી પાસે આવીને ધાક જમાવવા લાગ્યા હતા. તે રીક્ષામાં મરઘી કેમ ભરી કહી ગાળો બોલી માર માર્યો હતો. મેં મારા ભાઈને ફોન કર્યો હતો. જેથી મારા ભાઈ અને મારા પિતા બંને કઠલાલ ચોકડી આવ્યા હતા. તેમને પણ આ લોકોએ માર મારી જીવલેણ હૂમલો કર્યો હતો. મારો કોઈ વાંક ગુનો નથી છતાં પણ આ લોકોએ અમારી પર હૂમલો કર્યો હતો. મહત્વની વાત એ છે કે ૫૮ વર્ષીય સદ્દામના પિતા ઐયુબઅલી અનવરઅલી રાઠોડને અગાઉ હાર્ટ એટેક આવ્યો છે છતાં પણ તેમના પર હૂમલો કરી ગંભીર ઈજા કરતા તેમને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રજા એવો આક્ષેપ કરે છે કે કઠલાલ ચોકડીએ નિર્દોષ ઉપર હૂમલો કરવા પાછળનું કારણ ભરવાડ લોકો ધાક જમાવવાનો ઈરાદો ધરાવતા હતા. જેથી આજુબાજુના વિસ્તારમાં તેમની ધાક જળવાઈ રહે. તેઓ છેલ્લા ઘણાં સમયથી અન્ય રીતે પણ ચોક્કસ હેતુ પાર પાડવા માટે લઘુમતી તેમજ અન્ય લોકોને નિશાન બનાવી આવી રીતે મારઝૂડ કરતા હોય છે. આ લખાય છે ત્યારે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લેવા માટે કાર્યવાહીમાં લાગી છે. હજી સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. સામા પક્ષથી એવો આક્ષેપ કરવામાં આવે છે કે જાનવરો ભરીને લઈ જતા લોકોને રોકવામાં આવતા હોય તેઓ દ્વારા ધમકી આપવામાં આવતી હોય આજનો આ બનાવ બન્યો છે. હાલમાં પોલીસ બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.