આણંદની મિલ્કત પિતરાઈ ભાઈએ બોગસ પેઢીનામાના આધારે પચાવી પાડતા ફરિયાદ
કાકા અવસાન પામતા લજપતરાય શાહે તેમને નિર્વંશ બતાવીને બોગસ પેઢીનામુ કરી મિલ્કતમાં પોતાનું નામ ચઢાવી દીધું હતુ
આણંદ ખાતે આવેલુ એક મકાન પિતરાઈ ભાઈએ કાકાના અવસાન બાદ તેમને નિર્વંશ બતાવીને બોગસ પેઢીનામુ બનાવીને પચાવી પાડતાં આ અંગે આણંદ શહેર પોલીસે કુલ ચાર વ્યક્તિઓ વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી જગદીશભાઈ અમુલકદાસભાઈ મહેશ્વરી શાહ (રે. નડીઆદ)ના પિતા ને કાકા બાલચંદ શાહે આણંદ શહેરના સર્વે નંબર ૧૯૯૭ પૈકી સબ પ્લોટ નંબર ૨૪વાળુ મકાન કે જેનું ક્ષેત્રફળ ૧૪૯.૬૮ ચોમી થવા જાય છે તે વેચાણ દસ્તાવેજથી ખરીદ્યું
હતુ.
દરમ્યાન અમુલકભાઈ ગત ૧૨-૧૨-૧૮ના રોજ અવસાન પામતાં તેમના પુત્ર જગદીશભાઈએ વારસાઈ કરાવવા માટે નમુના નંબર ૭ની કોપી કઢાવતા તેમના કાકા અને પિતાના નામો કૌંસમાં થઈ ગયેલા હતા અને પિતરાઈ ભાઈ લજપતરાયનું નામ તેમા ચઢી જવા પામ્યું હતુ. જેથી તેમણે ૨૬-૮-૧૯ના રોજ થયેલી ફેરફાર નંોંધને લગતા તમામ કાગળીયા કઢાવતા જ લજપતરાયે અમુલકદાસને નિર્વંસ ગુજરી ગયેલા બતાવ્યા હતા અને તે અંગેનું ખોટુ પેઢીનામુ આણંદના નોટરી ઈકબાલભાઈ વ્હોરા સમક્ષ કર્યું હતુ.
જેમાં માનસિંગ સરદારસિંગ રાજપુત, રાજુભાઈ ભુનેશ્વર મંડલ અને મુકેશભાઈ પ્રભાતભાઈ ચાવડાએ સહિઓ કરી હતી. જેથી આ અંગે તેઓએ આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે બનાવટી દસ્તાવેજો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કરવા સંબંધી ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.