‘એક રાધા એક મીરા, દોનોં ને શ્યામ કો ચાહા...’
રાજકપૂરે દિલ્હીના એક કવિસંમેલનમાં સંગીતકાર અને કવિ રવીન્દ્ર જૈનને સ્ટેજ પરથી 'એક રાધા એક મીરા, દોનોં ને શ્યામ કો ચાહા... રજૂ કરતા સાંભળ્યા. તેમણે હૉલમાં જ રવીન્દ્ર જૈન સાથે મળીને બીજે દિવસે એ જ્યાં ઉતર્યા હતા એ હોટલ પર મળવા બોલાવ્યા. ત્યારે ફરી એ ગીત સાંભળ્યું અને કહ્યું કે 'આર.કે.ની નવી ફિલ્મનું સંગીત તમારે આપવાનું છે'. રવીન્દ્ર જૈન માટે એ મોટું આશ્ચર્ય હતું. પોતાના સૌથી નાના પુત્ર રાજીવને હિરો લઈ 'રામ તેરી ગંગા મૈલી' બનાવી અને એ ગીતનો ઉપયોગ ક્લાઇમેક્સમાં કર્યો
(ગતાંકથી આગળ)
એક ગાયન રાજીવ કપૂરની ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' માટે ગંગોત્રી સાબિત થયું હતું. રાજકપૂરે દિલ્હીના એક કવિસંમેલનમાં સંગીતકાર અને કવિ રવીન્દ્ર જૈનને સ્ટેજ પરથી 'એક રાધા એક મીરા, દોનોં ને શ્યામ કો ચાહા... રજૂ કરતા સાંભળ્યા. તેમણે હૉલમાં જ રવીન્દ્ર જૈન સાથે મળીને બીજે દિવસે એ જ્યાં ઉતર્યા હતા એ હોટલ પર મળવા બોલાવ્યા. ત્યારે ફરી એ ગીત સાંભળ્યું અને કહ્યું કે 'આર.કે.ની નવી ફિલ્મનું સંગીત તમારે આપવાનું છે'. રવીન્દ્ર જૈન માટે એ મોટું આશ્ચર્ય હતું. કેમ કે 'આર.કે. ફિલ્મ્સ'ની તે અગાઉની રાજ કપૂરે નિર્દેશિત કરેલી બન્ને ફિલ્મો 'સત્યમ શિવમ સુંદરમ' અને 'પ્રેમરોગ' માટે મ્યુઝિક લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે આપ્યું હતું અને બેઉનાં ગીતો સુપરહિટ રહ્યાં હતાં. તેમણે સૌ જાણે છે એમ, પોતાના સૌથી નાના પુત્ર રાજીવને હિરો લઈ 'રામ તેરી ગંગા મૈલી' બનાવી અને એ ગીતનો ઉપયોગ ક્લાઇમેક્સમાં કર્યો.
તે ગાયનની એક પંક્તિ 'એક પ્રેમ દીવાની, એક દરસ દીવાની'નો ઉપયોગ સ્ક્રિપ્ટિંગના શરૃઆતના તબક્કે ટાઇટલ તરીકે કરવાનો વિચાર પણ થયો હતો. 'રામ તેરી ગંગા મૈલી'નું સંગીત રવીન્દ્ર જૈનને તેમની કરિયરનો પહેલો અને એકમાત્ર ફિલ્મફેર એવોર્ડ અપાવી ગયું. તો 'બેસ્ટ ફિલ્મ', 'બેસ્ટ ડાયરેક્ટર' તથા 'બેસ્ટ એડિટર'ની ત્રણ ત્રણ ટ્રોફી રાજકપૂરને મળી. એટલું જ નહીં, ૧૯૮૫ની સૌથી વધુ વકરો સાડા નવ કરોડ રૃપિયા કરાવી 'આર.કે. ફિલ્મ્સ'ના બેનરને પૈસે ટકે પણ ન્યાલ કરી ગઈ. રાજીવના કહેવા પ્રમાણે, ફિલ્મની સુપરડુપર સફળતાના ૧૯૮૬-૮૭ના એ દિવસોમાં 'હિના'માં હિરો તરીકે પોતાને લેવાનું પપ્પાએ કહ્યું હતું. પણ ૧૯૮૮માં રાજસા'બના અચાનક દેહાંતને પગલે બાજી પલટાઇ ગઈ અને નાયક તરીકે રીશીકપૂરનું નામ જાહેર થયું!
તેમાં વાંક અભિનયની ઉણપનો હતો કે સતત માર ખાતા નસીબનો એની ચર્ચા થયા કરતી. પણ હકીકત એ હતી કે હવે રાજકપૂરની ગેરહાજરીમાં ડિસ્ટ્રીબ્યુટર્સ ટિકિટબારીએ લકી હિરો સિવાયના એક્ટર માટે માનવાના નહતા. જ્યારે ચિમ્પુના ખાતામાં અગાઉની નિષ્ફળતાની લંગાર ઉપરાંત ત્યાં સુધીમાં 'રામ તેરી ગંગા મૈલી' પછી પણ 'લવર બોય', 'પ્રીતિ', 'શુક્રિયા', 'હમ તો ચલે પરદેસ' અને 'ઝલઝલા' જેવી એક એકથી ચઢે એવી ફ્લોપ ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી! સરખામણીએ મોટાભાઇ રીશી કપૂર 'કર્ઝ', 'સરગમ', અને 'ચાંદની' જેવી મ્યુઝિકલ હિટમાં સોલો હીરો તરીકે અને 'નસીબ', 'કુલી' અને 'અમર અકબર એન્થની' જેવી અમિતાભની સુપરહિટ ફિલ્મોમાં સહકલાકાર તરીકે ટૉપસ્ટાર હતા. 'હિના'માં ખુબસૂરત પાકિસ્તાની ઝેબા સામે રીશીનું નામ જાહેર થયું અને તેની હતાશામાં કપૂર પરિવારની નબળાઇ એવા શરાબનું સેવન વધી ગયું. એવા દિવસોમાં ઝેબાના કારણે એક પાર્ટીમાં પોતાને સલમાનખાન સાથે ઝગડો થયાનું 'સિને બ્લિટ્ઝ'માં રાજીવે કહ્યું હતું. ('પિતાના અવસાન પછી હું દારૃડિયો -આલ્કોહોલિક- બની ગયો હતો..')
દારૃના દૈત્યે પારિવારિક અને અંગત સંબંધોને પણ વેરવિખેર કરવા માંડયા. રીશીએ આત્મકથામાં લખ્યું છે કે ચિમ્પુ સાથે ઓછું ફાવતું હતું. નીતુએ પણ તેમાં સુર પુરાવ્યો છે કે 'બેઉ ભાઇ ક્યારેક મારી મારફત વાત કરતા હતા.' શરાબનું પરિણામ એ કે તેનું નામ રોમેન્ટિકલી જેની પણ સાથે જોડાતું એ હિરોઇન થોડા સમયના સંબંધ પછી અલગ થવા માંડતી હતી. એક સમયે જુહી ચાવલા સાથે લગ્ન થવાનાં છે એ અફવાએ જોર પકડયું હતું. એ યાદીમાં તેની પ્રથમ હિરોઇન દિવ્યા રાણા જોડેના ડેટિંગના કિસ્સા હોય કે જેની સાથે લગ્નની તારીખ જાહેર થવાની છે એવી વાત પણ વહેતી હતી એ નગ્મા પણ હતી. તેમના પરિણયના દિવસોમાં ચિમ્પુએ પોતે જાહેર કર્યું હતું કે પોતાને માટે નગ્મા પરફેક્ટ છે. એ દિવસોને યાદ કરતાં ડિસેમ્બર ૧૯૯૩ના 'ફિલ્મફેર'માં પત્રકાર મીરા જોશીને રાજીવે કહ્યું હતું કે મમ્મી કહેતાં હતાં કે 'આટલો બધો દારૃ પીતો રહીશ તો કોઇ છોકરી તારું ઘર નહીં માંડે.' તે વખતે ત્રિશ્ના નામની છોકરી સાથે એ સ્ટેડી હતો. છેવટે તેણે પણ છોડી દીધો. જેની સાથે એરેન્જ મેરેજ થયાં એ આરતી સબરવાલ પણ ના ટક્યાં!
આરતીને ૨૦૦૦ની સાલમાં નવેમ્બર ૧૪ના દિવસે દિલ્હીમાં જોઇ અને ૧૧ ડિસેમ્બરે ઘડિયાં લગ્ન થયાં! પણ બે વરસમાં તો ડિવોર્સ થઈ ગયા. આરતી કેનેડામાં પેરાલિગલ તરીકે કામ કરે છે, એવો ઉલ્લેખ પણ પછી વાંચવામાં આવ્યો હતો. અંગત જીવનની માફક જ કરિયરમાં પણ '૯૦ના દાયકામાં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ 'પ્રેમગ્રંથ'નું દિગ્દર્શન કરવા મળ્યું તો ખરું; પણ તકદીર કા ફસાના, ફસાતા હી રહા! 'આર.કે. ફિલ્મ્સ'ના એ પિક્ચર માટે સૌના આશ્ચર્ય વચ્ચે હિરો તરીકે ઘરમાં હાજર હિટ એક્ટર રીશી કપૂરને નહીં, પણ સંજય દત્તને સાઇન કર્યો. હિરોઇન તરીકે એ પિક્ચર સાઇન કરવાની માધુરી દીક્ષિતને ભલામણ કરાવવા સંજુબાબાને લઈ ગયો, જેની સંજય સાથેની દોસ્તી ગોસીપ કોલમોમાં ચર્ચાતી હતી. બાકી માધુરીએ ત્યાં સુધીમાં રીશીકપૂર સાથે 'સાહિબાં' ફિલ્મ સાઇન કરી જ હતી. પણ નસીબ નખરાં કરતું હોય ત્યારે તમે ઊંટ પર બેઠા હો તો પણ કૂતરું બચકું ભરી જાય, એમ અમસ્તું કહેવાતું હોય છે?
એ દિવસોમાં મુંબઈના નિર્માતાઓના સંગઠન 'ફિલ્મ મેકર્સ કમ્બાઇન'નો ઠરાવ અમલમાં આવ્યો કે કોઇપણ કલાકાર એક સાથે છ કરતાં વધારે ફિલ્મોના શૂટિંગમાં ભાગ નહીં લઈ શકે અને સંજય દત્ત એવા કલાકારોની યાદીમાં સામેલ હતો! તેની તે સમયે ફ્લોર પર એવી 'સડક' અને 'સાજન' જેવી ફિલ્મોનું પ્રોડક્શન પતે નહીં ત્યાં સુધી તારીખો મળવાની શક્યતાઓ લંબાતી ગઈ. લગભગ દોઢ વરસ રાહ જોવાની થઈ. તેને લીધે મ્યુઝિક માટે અનુ મલિક સાથે નક્કી કર્યું હતું. કેટલીક ધૂન ફાઇનલ પણ કરી હતી. પરંતુ, પ્રોજેક્ટ ફ્લોર પર જતાં સમય લાગતાં એ તર્જ અનુએ બીજા પિક્ચરને આપવા માંડી અને એ સંબંધોમાં પણ કાયમની ખટાશ આવી ગઈ. દરમિયાન બોમ્બે બ્લાસ્ટના કાવત્રામાં સંજયદત્ત સામે કેસ થયો અને એ વાત જગજાહેર છે કે હિરો સાથે માધુરીએ અંગત સંબંધ વિચ્છેદ કરી દીધો. સરવાળે, 'લૌટ કે બુધ્ધુ ઘર કો આયે' જેવો ઘાટ થયો!
બડેભૈયા રીશીને જ 'પ્રેમગ્રંથ'ના હિરો લેવા પડયા તે પછીની પોતાની નવી ફિલ્મ માટે 'ઘૂંઘટ કે પટ ખોલ' ટાઇટલ રજીસ્ટર પણ કરાવ્યું હતું. પણ ડાયરેક્ટર તરીકેની એ ફિલ્મ 'પ્રેમગ્રંથ' પણ ટિકિટબારી પર ફ્લોપ ગયા પછી રીશીભૈયાના દિગ્દર્શનમાં બનેલી 'આ અબ લૌટ ચલે'નું એડિટીંગ જરૃર કર્યું. પણ ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝ, મોટા પડદે ચિમ્પુની કરિયર ખતમ થઈ ગઈ. તે પછી ટીવીના તણખલાને સહારે તરવાનો પ્રયાસ પણ કર્યો. 'આર. કે. ટેલિવિઝન' નામની કંપની પણ બનાવી હતી. દૂરદર્શન માટે 'વંશ' નામની સિરિયલ બનાવી હતી. તેના ૬૪ એપિસોડ ચાલ્યા. પણ પછી નેશનલ ચેનલ પરથી ડીડી મેટ્રો પર ટ્રાન્સ્ફર કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એ બંધ કરી દીધી. છેલ્લાં ૧૮ વરસથી (૨૦૦૩થી) પુના શિફ્ટ થઈ કોઇને પણ દખલ કર્યા વગર પોતાની રીતે જીવન વિતાવનાર રાજીવ કપૂરે નવમી ફેબ્્રુઆરી ૨૦૨૧એ છેલ્લા શ્વાસ પોતાની જન્મભૂમિ મુંબઈમાં લીધા. ત્યારે કમનસીબી પોતાને બહુ ગમતા એ લાડલાને શું કહેતી હશે?... 'આસમાં પે લિખ દૂં નામ તેરા, ઇસ જમીં પે લિખ દૂં નામ તેરા...'!!