Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
'હાર્ટિસ્ટ' બનીએ તો કેવું ?
કાલિદાસે કહ્યું છે કે કલા વિહિન મનુષ્ય પશુ સમાન છે. પહેલા માણસની સરખામણી પશુઓ સાથે કરવામાં આવતી હતી પરંતુ હવેના સમયમાં તો માણસ નીચે ઊતરીને એટલો નિમ્ન થઇ ગયો છે કે પશુઓ તો બકાયદા માણસ કરતાં વધુ સારા સાબિત થઇ ચૂકયા છે અને એટલે જ હવે તો માણસની સરખામણી મશીન સાથે થવા માંડી છે...
24/07/2022 00:07 AM Send-Mail
મશીન અને માણસ વચ્ચે કોઇ ભેદ હોવો અનિવાર્ય ખરો? કાલિદાસે કહ્યું છે કે કલા વિહિન મનુષ્ય પશુ સમાન છે. પહેલા માણસની સરખામણી પશુઓ સાથે કરવામાં આવતી હતી પરંતુ હવેના સમયમાં તો માણસ નીચે ઊતરીને એટલો નિમ્ન થઇ ગયો છે કે પશુઓ તો બકાયદા માણસ કરતાં વધુ સારા સાબિત થઇ ચૂકયા છે અને એટલે જ હવે તો માણસની સરખામણી મશીન સાથે થવા માંડી છે. કદાચ, એમાં પણ મશીન મેદાન મારી જાય, આગળ નીકળી જાય તો નવાઇ નહીં. ઇમોશનલ હયુમનોઇડ પરના પ્રયોગો ચાલુ થઇ જ ગયા છે અને ભલે પ્રોગ્રામ્ડ કરેલા ઇમોશન્સ હોય પણ મશીન એ મુજબ રીએકટ કે રીસપોન્ડ કરવાનું તો નહીં જ ચૂકે એ વાત તો નક્કી છે. માણસ તો ઇમોશન્સને વેચીને દાળી ખાઇ ગયો છે. બધી જ વાતે ચાલાકી, લુચ્ચાઇ, શાણપત્તી, દોગલાઇ, હોિંશયારી અને હરામખોરીની હદ સુધી પહોંચેલા માણસના દિમાગમાં ઇમોશનસ સાથે ડીલ કરતું રસાયણ ઘટી રહ્યું છે એવું તો સાયન્સ અને દંભી હોવું આ બે જ લક્ષણો જાણે કે માણસમાં બાકી બચ્યા છે. કાલિદાસે કલાવિહિન કહયું છે એમાં કલા પ્રત્યેની રૂચિની વાત છે. ચોસઠ પ્રકારની કલાઓનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આવી કોઇ આર્ટના આર્ટીસ્ટ બનીએ કે ના બનીએ પણ આર્ટની થોડી પરખ હોય તોય ઘણું. માણસ જરા જુદી રીતે પોતાની કળા કેળવી રહયો છે અને એમાં એણે ચોસઠ નહીં પરંતુ ચારસો ને ચોસઠ રીતે મહારથ હાંસલ કરી છે. ચહેરા પર મહોરા બદલીને જીવવું એ એનો ગમતો શોખ બની ગયો છે. 'યુઝ એન્ડ થ્રો'ની પ્રોડકટસ વાપરી-વાપરીને એની માનસિકતા પણ 'યુઝ એન્ડ થ્રો'ની થઇ ગઇ છે. પેકડ જંક ફૂડ ખાઇ-ખાઇને એના દિમાગમાં પણ બંધિયાર, વાસી વિચારો જમા થયા છે. માણસના સંબંધો પણ એકસપાયરી ડેટ વાળા થઇ ગયા છે. બજારમાં મળતી પ્રોડકટસ લખેલી હોય પરંતુ માણસની તો આવી કોઇ ગેરંટી-વોરંટી પણ કયા આપી શકાય એમ છે ! સંબંધોની ઉષ્મા આપણે ભાવિ પેઢીને વારસામાં આપી શકીશું કે કેમ એ એક મોટો સવાલ છે. ઘરમાં હૂંફનો અભાવ માણસને ઘરની બહાર દોરી રહયો છે અને જયાં ઘરની અંદરના સંબંધો જ મૃતપ્રાય અવસ્થામાં હોય ત્યાં બહારના સંબંધોમાં તો અપેક્ષા જ શું રાખી શકાય ! બહાર તો આમ પણ ટોળાંઓ જ છે અને ટોળાનું પોતાનું કોઇ અસ્તિત્વ હોતું નથી. આવી ટોળે વળેલી શૂન્યતા નો સરવાળો આખરે તો શૂન્ય જ હોય છે. પરિવાર નામનો શબ્દ લૂપ્ત થવાના આરે છે, ઘર નામ તો શબ્દ ફલેટ કે અપાર્ટમેન્ટમાં રૂપાંતરીત થઇ રહયો છે ત્યારે સમાજ નામનો શબ્દ એક મીથ જેવો ભાસવા માંડશે. સમાજ ભાંગતો - તૂટતો, અરડાતો-મરડાતો જશે એની સીધી અસર સંસ્કૃતિ પર જોવા મળશે અને આવી સંસ્કૃતિના આધારે જ તો સૃષ્ટિ છે તો પછી સૃષ્ટિનું શું થશે! આ કોઇ નાનો સૂનો પ્રશ્ન જણાતો નથી. વિકરાળ સમસ્યાઓ આમાંથી ઉદભવી રહી છે અને હજી આગળ જતાં એ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી રહેશે. હાર્ટ અપાર્ટ અને વધુને વધુ સ્માર્ટ બનવામાં મશગૂલ માણસ એક કાર્ટ બનીને રહી ગયો છે. સ્માર્ટ લાઇફ એને એવી તો સદી ગઇ છે કે આંગળીના ટેરવે આખી દુનિયાં રમાડતો થઇ ગયો છે એ ટચ -સ્ક્રીનની માયાજાળમાં માણસ એવો તે ભરવાયો છે કે હવે એને કશું જ ટચ કરતું નથી. લીસ્સા કાચ પર ફરતાં રહેતા આગળના ટેરવા બીજી ઘણી ખરબચડી સંવેદનાઓ ગુમાવી બેઠા છે. કોઇની પીડા તકલીફ કે આંસુને વાંચી શકવાની ક્ષમતા માણસની આંખો ગુમાવી દીધી છે. પહેલાના સમયમાં તો ટપાલી પણ સગો લાગતો હતો. કારણકે એ આપણાં સગા-વ્હાલાનો સંદેશો લાવતો હતો પરંતુ હવે તો આપણે સગા હોય એવું સગપણ કે વ્હાલા હોય એવું વ્હાલ જ કયાં રહયું છે. ઇમોજીમાં જ જેની મોજ સમાઇ જવી હોય એને ઇમોશન્સની શુ ગતાગમ હોય શકે ! ઇન્સ્ટા પરના ઇન્સ્ટન્ટ સંબંધ ફેઇસ કર્યા વગરની ફેઇસબુકની લાઇકસ એન્ડ કોમેન્ટસ, ધડા વગરના વોટસએપ સ્ટેટસ- આ બધાંની વચ્ચે ગૂગલ મેપ પર સુખનું સરનામું શોધતો માણસ અને છેવટે આ બધા સળવળાટને અંતે તેના સંતોષની 'ફાઇલ નોટ ફાઉન્ડ'નો મેસેજ બ્લીન્ક થયા કરે છે એના મસ્તિષ્કમાં. આડા અવળા વાયરસના વંટોળીયા આવ્યા કરે છે. એના ઓનલાઇન એકસીઝટન્સમાં, સંવેદનાઓનું સર્વર ડાઉન થયું છે.

એક પ્રકારના મૂંઝારાનું બફરીંગ થયા કરે છે, લકવાગ્રસ્ત લાગણીઓ લોડીંગ થવામાં એટલો સમય લે છે કે ત્યાં સુધીમાં તો સ્ક્રીન ટાઇમ ઓફ થઇ જાય છે અને છેવટે માણસની ઊર્જાનું બેટરી સેવર પણ એને સેવ કરી શકતું નથી ને છેવટે માણસ નામનું મશીન થઇ જાય છે સ્વીચ ઓફ..... ચાલો, આવું કંઇ પણ થાય એ પહેલા સમયસર હૃદયને રીબૂટ કરી લઇએ, જમા થયેલા જંક પૂર્વગ્રહોને ડિલીટ કરીએ, આખ્ખાય અસ્તિત્વને એકવાર સ્કેન કરી જોઇએ અને બનાવટી બાબતોના વાયરસને કવોરન્ટાઇન કરીને અંતરની ઊર્જાને બૂસ્ટ અપ કરીએ. નોટીફિકેશન્સની ચુંગાલમાંથી બહાર આવીને બીજાને નોટીફાય કરતા થઇએ. પ્રાઇવસીનાં બદલે, ઇન્ટીમસી પર ફોકસ કરીએ. 'મી-ટાઇમ' ને તડીપાર કરીને 'વી-ટાઇમ'નો આવિષ્કાર કરીએ. રીંગીંગ મોડમાં માથું ખંજવાળવા કરતાં હૃદયમાં કોઇની આવન-જાવનની ઘંટી વાગવા દઇએ. વાઇબ્રેટ મોડી છોડીને કોઇના વોઇસના વાઇબ્રેશન્સ ને માણીએ. ટચ કરવો જ હોય તો સ્ક્રીન કરતાં વધુ સારો વિકલ્પ છે સ્કીન. કોઇને ચીટ કરવામાંથી બહાર નીકળીને ચિત્તને થોડું માંજી લઇએ, બ્લુ-રે ગોગલ્સ ઉતારીને આંખમાં થોડું અજવાળું આંજી લઇએ. વર્ચ્યુઅલ રીઆલીટીમાં આપણી આસપાસની વસ્તુઓ કે વ્યક્તિઓને સ્પર્શીએ હુંફાળા સંવાદના માધ્યમથી. ચાલો થોડાં હાર્ટિસ્ટ બનીએ.

Secret Key હૃદયનું જેટલું વધારે કામ લેશો એટલી હૃદયની તકલીફો ઓછી ભોગવશો. પ્રતિભાવ : joshinikhil2007@gmail.com