Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
અજરબૈઝાન : આ દેશમાં કાચા તેલથી સ્નાન કરવા ઉમટે છે વિશ્વભરમાંથી હાડકાંની બિમારીથી પરેશાન દર્દીઓ
દર્દીને ૪૦ ડિગ્રી તાપમાન પર ૧૩૦ લિટર કાચા તેલમાં ૧૦ મિનિટ સુધી સ્નાન કરાવાય છે
25/07/2022 00:07 AM Send-Mail
દરરોજ સ્નાન કરવું તે સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. સામાન્ય રીતે લોકો પોતાના ઘરે પાણીથી સ્નાન કરતા હોય છે. જો કે કયારેક પ્રસંગોપાત કોઇને દૂધથી સ્નાન કરાવાય છે. કયારેક કોઇ બિમારીથી પીડિત વ્યકિતને દહીં કે અન્ય ઔષધિઓથી સ્નાન કરાવવાની સલાહ આપવામાં આવતી હોય છે. પરંતુ દુનિયાના એક દેશમાં કાચા તેલથી સ્નાનનું પ્રચલન છે. જો કે આ તેલથી કોઇ ન્હાતું નથી પરંતુ બિમાર લોકોને વિશેષ પ્રકારના કાચા તેલથી સ્નાન કરાવવામાં આવે છે.

ઇરાનની સીમા સાથે જોડાયેલા દેશ અજરબૈઝાનના નાફતલાન શહેરમાં એક એવી જગ્યા છે જયાં લોકો કાચા તેલથી ભરેલા બાથટબમાં સ્નાન કરવા આવે છે. અહીં કાચા તેલનો ઉપયોગ જુદા જુદા પ્રકારની બિમારી દૂર કરવા માટે થાય છે. કહેવાય છે કે કાચા તેલથી ન્હાવાના કારણે ૭૦થી વધુ પ્રકારની બિમારીઓ દૂર થઇ જાય છે. વિશેષજ્ઞોનો દાવો છે કે ક્રૂડ ઓઇલ ન્યૂરોલોજીકલ અને સ્કિન સંબંધી પરેશાનીઓમાં લાભદાયી છે.

બિમારી દૂર કરવા માટે એક દર્દીને ૪૦ ડિગ્રી તાપમાનમાં ૧૩૦ લીટર કાચા તેલથી સ્નાન કરાવવામાં આવે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, જે લોકોના હાડકાંમાં ગેપ પડી જાય છે તેઓ કાચા તેલના બાથટબમાં સ્નાન કરવાથી હાડકાં જોડાઇ જાય છે અને દર્દથી આરામ મળે છે. જો કે વધુ સમય સુધી કાચા તેલથી સ્નાન કરવાના કારણે તેમાં રહેલા કેમિકલથી શરીરને અસર પહોંચે છે. વાસ્તવમાં આ કોર્સ ૧૦ દિવસનો હોય છે. જેમાં દિવસમાં એકવાર દર્દીને ફકત ૧૦ મિનિટ સુધી તેલમાં સ્નાન કરાવવામાં આવે છે. આ હેલ્થ સેન્ટરમાં હજારો લોકો આ પ્રકારે પોતાનો ઇલાજ કરાવવા કઝાકિસ્તાન, જર્મની, રુસ સહિત એશિયાઇ અને યૂરોપીય દેશોમાંથી પહોંચે છે.