આફ્રિકા : પ હજારની વસતિ ધરાવતા ગામમાં બાળકને જન્મ આપવા પર પ્રતિબંધ
અંધવિશ્વાસના કારણે પ્રસૂતિના સમયે મહિલાને અન્ય ગામમાં લઇ જવાય છે
આધુનિક યુગમાં જૂના રીતરિવાજોનો ત્યાગ કરવામાં આવ્યાનું જોવા મળવા સામે હજીયે કેટલાક લોકો જૂની પરંપરાઓનું ચુસ્ત રીતે પાલન કરતા હોવાનું પણ જોવા મળે છે. જેમાં અનેક લોકો અંધવિશ્વાસની નાગચૂડમાં હજીયે જૂની પ્રથાઓનો જ અમલ કરે છે. આફ્રિકાના ધાના વિસ્તારમાં આવેલા માફી ડોવ ગામના લોકો હાલના સમયમાં પણ ચુસ્ત અંધવિશ્વાસી છે. આ ગામમાં બાળકને જન્મ આપવા પર પ્રતિબંધ છે. ગામમાં પાંચ હજાર લોકો વસવાટ કરે છે પરંતુ એકપણ બાળકનો જન્મ ગામમાં થયો નથી.
અહીંના રીતરિવાજો ખૂબ વિચિત્ર છે. ગામજનોની માન્યતા છે કે ગામમાં બાળકનો જન્મ થાય તો ભગવાન ક્રોધિત થઇ જશે અને ગામને શ્રાપ આપશે. આથી ગામની કોઇ મહિલા પ્રેગનેન્ટ થાય એટલે પ્રસૂતિના સમય અગાઉ તેણીને અન્ય ગામમાં લઇ જવામાં આવે છે. જો કે અનેક વખત મહિલાને આ સ્થિતિમાં અન્ય લઇ જવા સમયે રસ્તામાં જ બાળકનો જન્મ થઇ ગયો છે. તે સમયે પ્રસૂતાએ ખૂબ પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડે છે. છતાંયે અંધવિશ્વાસના કારણે આ પ્રથા આજે પણ નિભાવવામાં આવી રહી છે. જો કે આ બાબત ખતરનાક હોવા છતાંયે મૂળ રહિશો આ પરંપરાને છોડવા તૈયાર નથી.