Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
સહારાના રેગિસ્તાનમાં વિશાળકાય રહસ્યમયી આંખ આકારનું રહસ્ય વણઉકલ્યું
અગાઉ આ સ્થળે સમુદ્ર હતો જે ધીમે ધીમે રેગિસ્તાનમાં પરિવર્તિત થતા વિશાળકાય આંખ જેવી પ્રાકૃતિક સંરચના બની
25/07/2022 00:07 AM Send-Mail
દુનિયાભરમાં અનેક સ્થળોએ સદીઓ જૂના રહસ્યો આજે પણ વણઉકલ્યા છે. જો કે કેટલાક રહસ્યો વિશે વૈજ્ઞાનિકો સહિતની ટીમોએ શોધખોળ કરવાનો પ્રયાસ કરવા છતાંયે ધારી સફળતા મળી નથી. સહારા રેગિસ્તાનમાં પણ વિશાળકાય આંખ જેવી આકૃતિની રચના કેવી રીતે થઇ શકી તે અંગેનું રહસ્ય આજદિન સુધી વણઉકલ્યું છે.

સહારા રેગિસ્તાનની આ વિશાળકાય આકૃતિને રહસ્યમયી આંખ તરીકે ઓળખવામાં આવે છે. આફ્રિકી મહાદ્વીપના વિશાળ રેગિસ્તાનની વચ્ચે લગભગ ૩૦ માઇલ વિસ્તારમાં ફેલાયેલી આ પ્રાકૃતિક સંરચના છે. માનવામાં આવે છે કે તેનું નિર્માણ માટી ઘસી પડવાના કારણે થયું છે. પરંતુ આ વિશાળકાય આંખ અંગે વૈજ્ઞાનિકોમાં મતમતાંતર પ્રવર્ત છે. કેટલાકનું માનવું છે કે, એલિયન એટલે કે અન્ય ગ્રહના પ્રાણી દ્વારા આ આકૃતિ બનાવવામાં આવી હોવી જોઇએ.

વૈજ્ઞાનિકો એ તથ્ય પણ આપી રહ્યા છે કે સહારા રેગિસ્તાન અગાઉ સમુદ્રથી પૂર્ણ રીતે ઢંકાયેલો હતો. પરંતુ ધીમે ધીમે તે રેગિસ્તાનમાં બદલાતો ગયો. પાણી સંકોચાવાના કારણે અને રેતી થવાથી આ આકૃતિનું નિર્માણ થયું. જે જોવામાં એક વિશાળકાય આંખ સમાન લાગતી હતી. જો કે ખાસ વાત એ છે કે આ અદ્દભૂત સંરચના આકાશમાં ખૂબ ઉંચાઇએથી નહીં પરંતુ અંતરિક્ષમાંથી સ્પષ્ટ રીતે નજરે પડે છે. જો કે ફકત સહારા રેગિસ્તાનમાં આ આકૃતિ જોવા મળે છે તેવું નથી. પણ આ પ્રકારની કૃતિ દુનિયાના અન્ય ભાગોમાં પણ જોવા મળી રહી છે. જેમાં બેલિઝનું ધ ગ્રેટ બ્લ્યૂ હોલનો સમાવેશ થાય છે. જે વિશાળકાય ભૂરી આંખ જેવો દેખાય છે. જો કે સહારા રેગિસ્તાનમાં બનેલ વિશાળકાય આંખની સત્યતા આજે પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે રહસ્ય બની રહી છે.