કૈલિફોર્નિયા : ૩૦૦ વર્ષથી દુનિયા માટે રહસ્ય બન્યો છે અજીબોગરીબ પડછાયો
પહાડો પર દેખાતા પડછાયાને ડાર્ક વોચર્સ કહેવાય છે, જે હેટ-જેકેટ પહેરેલો અને ૧૦ ફુટ લાંબો જોવા મળે છે
સમગ્ર દુનિયામાં અનેક સ્થળોએ આજે પણ મૌજૂદ રહસ્યો વણઉકલ્યા રહ્યાનું જોવા મળે છે. જેમાં વધુ એક રહસ્ય એ છે કે છેલ્લા ૩૦૦ વર્ષોથી એક અજીબોગરીબ પડછાયો દુનિયાના તજજ્ઞો માટે પણ રહસ્યમય બન્યો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં દેખાતા રહસ્યમય પડછાયાના ભેદભરમ હજીયે વણઉકલ્યા છે. આ પડછાયો કયારેક ટોપી પહેરેલ તો કયારેક જેકેટ જેવા કપડાંમાં સાન્તા લૂસિયા પર્વત પર ચાલતો હોવાનું જોવા મળે છે. મોટાભાગે આ પડછાયો આકાશમાં ઉડતો જોવા મળ્યો છે. જો કે થોડી ક્ષણો દેખાયા બાદ તે એકાએક ગાયબ પણ થઇ જાય છે. છેલ્લા ૩૦૦ વર્ષોથી આ પહાડ પરથી પસાર થનાર રાહદારીઓએ આ પડછાયાને નિહાળ્યો છે.
કેલિફોર્નિયાના પહાડો પર દેખાતા પડછાયાને ડાર્ક વોચર્સ કહેવામાં આવે છે. આ પડછાયો સ્હેજ ધૂંધળો અને ૧૦ ફુટ લાંબો હોય છે. મોટાભાગે હેટ કે ટોપી સાથે જેકેટ પહેરેલો હોય છે. ખાસ કરીને આ પડછાયો બપોર બાદ સાંજ પડવા સુધી દેખાય છે. કહેવાય છે કે, ગત ૩૦૦ વર્ષોમાં કેલિફોર્નિયાના સાન્તા લૂસિયા પર્વતની પહાડીઓમાં લાંબી પદયાત્રા કરનાર લોકોએ આ રહસ્યમય પડછાયાને જોયો છે. જો કે ડાર્ચ વોચર્સ હજી સુધી કોઇને નુકસાન પહોંચાડયું નથી.
સંશોધનકર્તાઓનું કહેવું છે કે, આ પડછાયો પહાડની સ્થિતિ, પ્રકાશ અને વાદળોના કારણે સર્જાતો હોય છે, જેને ડાર્ક વોચર્સ કહેવાય છે. ખાસ કરીને બપોરે સૂર્યની સ્થિતિના કારણે પડછાયાની છાયા બનવાની શરુઆત થતી હોય છે. એમ પણ માનવામાં આવે છે કે ડાર્ક વોચર્સ સપ્તરંગી પણ દેખાય છે. જે પાણીની બુંદોમાંથી પરાવર્તિત થઇને સૂર્યના કિરણોના કારણે છાયા ઉત્પન્ન કરે છે. હાર્જ માઉન્ટેન પર આ પ્રક્રિયા સામાન્ય છે. જો કે સંશોધનકર્તાઓના તર્ક છતાંયે ૩૦૦ વર્ષોથી ડાર્ક વોચર્સની એકધારી ઉપસ્થિતિની પ્રક્રિયા રહસ્ય ઉભું કરી રહી છે.