Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ચૂંટણી પહેલા કોંગ્રેસની ગેરંટી : ગુજરાતમાં અમારી સરકાર બનશે તો ખેડૂતોના ૩ લાખ સુધીના તમામ દેવા માફ
દિવસે ૧૦ કલાક મફત વીજળી : ૧૧ મુદ્દાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો
13/08/2022 00:08 AM Send-Mail
કોંગ્રેસનો સંકલ્પ પત્ર
- ખેડૂતો માટે મીટર પ્રથા બંધ - સોલર અને વિન્ડમાં પ્રોત્સાહન - જમીન માપણી નવેસરથી કરાશે - પશુપાલકોને ખેડૂતનો દરજ્જો - માલધારી વસાહત બનાવાશે - ગુજરાતને એગ્રિકલ્ચર સ્ટેટ જાહેર કરાશે - દરેક ગામમાં કૃષિ સહાયતા કેન્દ્ર સ્થપાશે - ગામમાં પશુઓ માટે વાડાની જમીન અપાશે - સહકારી સંસ્થાઓમાં મહિલાઓની ૩૩ ટકા ભાગીદારી - એગ્રો બેઝડ નાના એમએસએમઇ સ્થપાશે - સહકારી મંડળીઓને દૂધના સ્ટોરેજ માટે મદદ કરાશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક રાજકીય પાર્ટીએ મતદારોને રીઝવવાની શરૂઆત કરી દીધી છે. નવી દિલ્હીની આમ આદમી પાર્ટી (આપ)એ પણ તાજેતરમાં ગુજરાતની જનતાને વિવિધ ગેરંટી આપી છે. આજે ગુજરાત કોંગ્રેસ તરફથી પણ ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના રૂા. ૩ લાખ સુધીના દેવા માફ કરાશે. આ ઉપરાંત દિવસે ખેડૂતોને ૧૦ કલાક ફ્રી વીજળી આપવામાં આવશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

ચૂંટણી પહેલા નવા સંકલ્પપત્ર-ચૂંટણી ઢંઢેરાની આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે જાહેરાત કરતાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ભાજપના ૨૭ વર્ષના શાસનમાં ખેડૂતોના પાક વીમા સહિતના અનેક હકો ભાજપે ઝૂંટવ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે ગુજરાતને કૃષિ ક્ષેત્રમાં દેશનું અવ્વલ નંબરનું રાજ્ય બનાવા માટે ખેડૂતલક્ષી અભિગમ રાખી ખેડૂતો માટેના મુદ્દાઓના કાર્યક્રમની જાહેરાત કરી હતી.

ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, રેવડીના નામે ભાજપ આજે પોતે દિલ્હીથી આવેલી પોતાની જ બી ટીમ સાથે રેવડી કલ્ચરના નામે મિલીઝુલી કુસ્તી ખેલી રહી છે. કોંગ્રેસે રજૂ કરેલા ખેડૂતો માટેના ૧૧ મુદ્દાનો સંકલ્પ પત્ર દેશના છત્તીસગઢ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ જેવા અનેક રાજ્યો અમલ કરી ચૂક્યા છે. આ સંકલ્પ પત્રનો અમલ કરવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ઘ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની દ્વારકા શિબિરમાં ચર્ચાયેલા દ્વારકા ઘોષણા પત્રના બાકીના મુદ્દાઓની જાહેરાત હવે પછી તબક્કાવાર કરવામાં આવશે.