Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
પુરીના જગન્નાથ મંદિરની પ્રતિમામાં ઘબકે છે ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય, રહસ્ય અકબંધ
દર ૧ર વર્ષ અત્યંત ગુપ્ત પરંપરાનુસાર ભગવાનની પ્રતિમાને બદલવા સમયે બ્રહ્મ પદાર્થને જૂની પ્રતિમામાંથી કાઢીને નવી પ્રતિમામાં મૂકવામાં આવે છે
15/08/2022 00:08 AM Send-Mail
ભારતમાં આવેલા હજ્જારો મંદિરો પૈકી અનેક સદીઓ જૂના છે તો કેટલાક અત્યંત રહસ્યમયી. આ મંદિરોમાં ભગવાનના વિવિધ સ્વરૂપોની પ્રતિમાઓ બિરાજમાન છે. પરંતુ દેશમાં આવેલા એક મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણનું હદય આજે પણ ધબકે છે. પુરાણોમાં અપાયેલ જાણકારી અને કેટલીક ઘટનાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે.

જેમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુએ દ્વાપર યુગમાં જયારે શ્રીકૃષ્ણના રુપમાં અવતાર ધારણ કર્યો ત્યારે તેઓ માનવ સ્વરૂપે હતા. સૃષ્ટિના નિયમનુસાર જન્મ લેનાર દરેક જીવનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી મહાભારત યુદ્ઘના ૩૬ વર્ષ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ પોતાનો માનવ દેહ ત્યાગ્યો હતો અને પાંડવોએ શ્રીકૃષ્ણના દેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. જો કે સમગ્ર પાર્થિક શરીર અગિjમાં સમાઇ ગયું હતું પરંતુ હૃદય ધબકી રહ્યું હતું. આ જોઇને પાંડવો અચંબિત બન્યા હતા. તે સમયે આકાશવાણી થઇ હતી કે આ બ્રહ્મનું હૃદય છે તેને સમુદ્રમાં પ્રવાહિત કરવામાં આવે. જેથી પાંડવોએ શ્રીકૃષ્ણના હૃદયને પાણીમાં પ્રવાહિત કર્યુ હતું.

ઓડિશાના પુરીમાં આવેલ ભગવાન જગન્નાથનું મંદિર જગપ્રસિદ્ઘ છે. આ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે બિરાજમાન છે. આ મંદિરના ભગવાન જગન્નાથ સાથે અનેક રહસ્ય જોડાયેલા છે. કહેવાય છે કે મંદિરની સામેથી આવતી હવા પણ પોતાનો માર્ગ બદલી કાઢે છે. કહેવાય છે કે મંદિરના પ્રવેશદ્ઘારમાં પગ મૂકતાં જ નજીક આવેલા દરિયાનો અવાજ સંભળાવવાનું બંધ થઇ જાય છે. સૌથી વધુ નોંધનીય વાત એ છે કે મંદિરનો ધ્વજ પણ હંમેશા વિરુદ્વ દિશામાં લહેરાય છે. ભગવાન શ્રી જગન્નાથ મંદિરની મૂર્તિમાં આજે પણ ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય હાજર છે. ભગવાનના હદયના અંશને બ્રહ્મ પદાર્થ કહેવાય છે. મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની પ્રતિમાઓ લાકડાની છે. ભગવાન જગન્નાથની મૂર્તિનું નિર્માણ લીમડાના લાકડામાંથી થાય છે. દર ૧ર વર્ષ ભગવાનની પ્રતિમાને બદલવામાં આવે છે. આ સમયે બ્રહ્મ પદાર્થને જૂની પ્રતિમામાંથી કાઢીને નવી પ્રતિમામાં મૂકવામાં આવે છે. કહેવાય છે કે આ પરંપરાના સમયે સમગ્ર શહેરમાં વીજળી બંધ કરી દેવાય છે. ત્યારબાદ મૂર્તિ બદલનાર પૂજારી ભગવાનના રૂપને બદલે છે. કહેવાય છે કે મૂર્તિની નીચે આજે પણ ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય ધબકે છે. જયારે ભગવાન કૃષ્ણનું હૃદય એકમાંથી બીજી પ્રતિમામાં મૂકવામાં આવે છે ત્યારે પૂજારીની આંખો પર પણ પટ્ટી બાંધવામાં આવે છે અને હાથોમાં મોજાં પહેરાવાય છે. આ પરંપરા પાછળની માન્યતા એ છે કે આ પરંપરાને નજરોનજર નિહાળનારનું મૃત્યુ થઇ જાય છે. આથી ખૂબ ધ્યાનથી, સાવચેતીથી કાર્ય કરવામાં આવે છે. મૂર્તિ બદલનાર પૂજારીના જણાવ્યાનુસાર આ પરંપરાની પ્રકિયા જયારે ચાલતી હોય છે ત્યારે એવો અનુભવ થાય છે કે હાથના મોજાંમાં નાનું સસલું કૂદી રહ્યું હોય !