Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
અંકલેશ્વરના પાનોલી, સાવલીના મોકસી ગામેથી ૨૦૦૦ કરોડનું ડ્રગ્સ જપ્ત
પાનોલી સ્થિત ઇન્ફિનિટી એન્ડ રિસર્ચ કંપનીમાં નશાનો ચાલતો હતો કારોબાર, ૧૦૨૬ કરોડનો ૫૧૩ કિલો જથ્થો જપ્ત : મોક્સીની કંપનીમાંથી ૧૦૦૦ કરોડનું ૨૦૦ કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું : પાનોલી કેસમાં મહિલા સહિત ૭ની ધરપકડ
17/08/2022 00:08 AM Send-Mail
પાનોલી જીઆઇડીસીની એક જ કંપનીમાં ૩ દિવસમાં બે રેડ
ભરૂચની પાનોલી જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં મુંબઇ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેડ કરીને અંદાજિત ૫૧૩ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. જ્યારે આજે મંગળવારના રોજ ભરૂચ એસઓજીએ ફરીથી રેડ કરીને અંદાજિત ૮૦થી ૯૦ કિલો એમડી ડ્રગ્સ પકડી પાડતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. ૩ દિવસમાં કંપનીમાંથી ૧૩૦૦ લીટર લીક્વિડ અને ૮૩ કિલો પાઉડર ફોર્મમાં ડ્રગ્સ જપ્ત કરાયું છે જેની અંદાજિત કિંમત ૧૩૮૩ કરો હોઇ શકે છે. ભરૂચ એસઓજીની ટીમે પુન: એક જ કંપનીમાં રેડ કરી કરોડોનો મુદ્દોમાલ જપ્ત કર્યો સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા એસઓજીની ટીમે પુન: પાનોલી જીઆઇડીસીમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાં રેડ કરી હતી. આ કંપનીમાંથી એસઓજીની ટીમે અંદાજિત ૮૦થી ૯૦ કિલો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હોવાની માહિતી સાંપડી છે. જેની પણ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત ૮૦થી ૧૦૦ કરોડ જેટલી થાય છે.

મોકસીમાંથી પકડાયેલ ડ્રગ્સ મુંબઇ-ગોવા મોકલવામાં આવતું હતું
૧૫ ઓગસ્ટે ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજી દ્વારા સાવલીની આ ફેક્ટરીમાં રેડ કરીને તપાસ કરતાં ત્યાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સ મુંબઇ અને ગોવા મોકલવામાં આવતું હતું. અગાઉ પણ એક વખત આ ડ્રગ્સ ગયું હોવાની એટીએસને શંકા છે. એટીએસના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં કેમિકલ પ્રોસેસ કરીને એમડી ડ્રગ્સ બનાવવામાં આવતું હતું. જે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સપ્લાય થતું હતું. હવે આ રેકેટના તળ શોધવા માટે ગુજરાતની એટીએસ તપાસ કરી રહી છે.

ગુજરાતના દરિયાઇ માર્ગે છેલ્લા ઘણા સમયથી આવી રહેલા ડ્રગ્સ પર એટીએસની ચાંપતી નજર હતી પણ ઘરઆંગણે એટલે કે ગુજરાતના વડોદરા અને અંકલેશ્વરમાં જ કંપનીમાં બની રહેલા ડ્રગ્સનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નશાના સોદાગરો વિરૂદ્ઘ મુંબઇની પોલીસની એન્ટી નારકોટિક્સ સેલ (એએનસી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઇ પોલીસના એએનસીના વર્લી યુનિટે ગુજરાતના ભરૂજ જિલ્લાના અંકલેશ્વરમાં બાતમીના આધારે દરોડા પાડીને ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. એન્ટી નારકોટિક્સ સેલના દરોડા દરમિયાન લગભગ ૫૧૩ કિગ્રા એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂા. ૧૦૨૬ કરોડ કરોડ આંકવામાં આવી છે. આ સાથે જ પોલીસે એક મહિલા સહિત ૭ આરોપીઓની ધરપકડ કરી છે.

પાનોલી જીઆઇડીસીની ઇન્ફિનિટી એન્ડ રિસર્ચ કંપનીમાં ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવેલ કંપનીનું દેશના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ સાથે ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવ્યો છે.

બીજી તરફ ગુજરાત એટીએસએ વડોદરાના સાવલીના મોક્સી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને ૨૦૦ કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાત એટીએસ દ્વારા મોક્સી ગામથી ૧૩ જેટલા મોટા બોક્સમાં ડ્રગ્સ ભરીને ગાડીમાં મૂકવામાં આવ્યું હતું. જણાવી દઇએ કે અગાઉ ગત બપોરે પણ મુંબઇ પોલીસે પાલઘર જિલ્લાના નાલાસોપારામાં એક દવા બનાવતા યુનિટ પર દરોડા પાડીને રૂા. ૧૪૦૩ કરોડનું ૭૦૧.૭૪ કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું જેમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એએનસીએ દાવો કર્યો હતો કે ડ્રગ્સને ખેપને મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો.