Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ગુજરાત : સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો
-૧ જાન્યુ. ૨૦૨૨થી અમલી -૯.૮ લાખ કર્મચારીઓ-પેન્શનધારકોને લાભ મળશે -રાજ્યની તિજોરી પર ૧૪૦૦ કરોડનો વધારે બોજ પડશે -એનએફએસએ કાર્ડધારકોને દર મહિને ૧ કિલો દાળ રાહત દરે અપાશે -યોજનામાં સામેલ થવાની આવક મર્યાદા માસિક ૧૦ હજારથી વધારી ૧૫ હજાર કરાઇ
17/08/2022 00:08 AM Send-Mail
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ત્રણ ટકાનો વધારો અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (એનએફએસએ) અંતર્ગત કલ્યાણકારી યોજનાઓના વિસ્તારની જાહેરાત કરી હતી.

દેશના ૭૬માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આયોજિત રાજ્ય સ્તરના કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા બાદ લોકોને સંબોધિત કરતાં પટેલે અપીલ કરી હતી કે તેઓ પોતાના હૃદયમાં સૌથી ઉપર દેશને રાખવાની ભાવના જાગૃત કરે.

આ પ્રસંગે તેમણે ૭મા પગાર પંચની જોગવાઇઓ અંતર્ગત ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાના વધારાની જાહેરાત કરી હતી જે ૧ જાન્યુઆરી ૨૦૨૨થી લાગુ થશે. પટેલે કહ્યું કે તેનાથી રાજ્ય સરકારના ૯.૮ લાખ કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થશે. તેમણે કહ્યું કે આ વધારાથી સરકારી તિજોરી પર રૂા. ૧૪૦૦ કરોડનો વધારાનો બોજ પડશે. તેમણે આ સાથે જ એનએફએસએ કાર્ડધારકોને પરિવાર દીઠ ૧ કિલોગ્રામ દાળ પણ રાશનમાં આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યના તમામ ૨૫૦ તાલુકાઓમાં ૭૧ લાખ એનએફએસએ કાર્ડધારકોને દર મહિને ૧ કિલોગ્રામ દાળ કાર્ડ દીઠ રાહત દરે આપવામાં આવશે. વર્તમાન સમયમાં આ યોજનાનો લાભ રાજ્યના ૫૦ વિકાસશીલ તાલુકાઓના કાર્ડધારકોને મળી રહ્યો છે. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં એનએફએસએ યોજનામાં સામેલ થવા માટે આવકની મર્યાદા માસિક રૂા. ૧૦ હજાર છે જેને વધારીને માસિક રૂા. ૧૫ હજાર કરવામાં આવી રહી છે.