Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ગુજરાત : બે દિવસ ભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ
અરવલ્લી જિલ્લામાં ૨૪ કલાકમાં ૯.૬ ઇંચ વરસાદ : ગુજરાતના ૮ જિલ્લામાં ઓરેન્જ-૭માં યલો એલર્ટ
17/08/2022 00:08 AM Send-Mail
નર્મદા ડેમમાંથી ૪.૯૫ લાખ ક્યુસેક પાણી છોડાયું : કાંઠાના ગામો એલર્ટ : ૨૩ રેડિયલ ગેટ ૨.૯૦ મીટરની ઊંચાઇ સુધી ખોલવામાં આવ્યા
સરદાર સરોવર ડેમના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઓમકારેશ્વર ડેમમાંથી છોડાતા પાણીથી સરદાર સરોવર જળાશય ભરાઇ રહ્યું છે.તેને અનુલક્ષીને આજે સાંજના પાંચ વાગે સરદાર સરોવર બંધ ખાતે ૨૩ રેડિયલ ગેટ્સ ૨.૯૦ મીટરની ઊંચાઇ સુધી ખોલવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ ૨૩ રેડિયલ ડેમને ૨.૨૫ મીટર સુધી ખોલવામાં આવ્યા હતાં જેના થકી ૩.૫૦ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાયું હતું. હવે ૨.૯૦ મીટરની વધુ ઊંચાઇ સુધી ગેટ ખોલ્યા બાદ નદીમાં પ્રવાહિત થતાં પાણીનું પ્રમાણ વધીને ૪.૫૦ લાખ ક્યુસેક થયું હતું. આ ઉપરાંત સરદાર સરોવર ડેમ ખાતે ચાલી રહેલા જળ વિદ્યુત મખતમાંથી પણ નર્મદા નદીમાં ૪૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ સાંજના પાંચ વાગ્યાથી નદીમાં ઠલવાતા પાણીનું પ્રમાણ વધીને ૪.૯૫ લાખ ક્યુસેક થયું હતું. તેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે અને નદી કાંઠાના વિસ્તારોમાં પુરની સ્થિતિ પણ સર્જાઇ છે. તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના કરજણ, ડભોઇ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના ગામોમાં અત્યાધિક સાવચેતી અને સતર્કતા રાખવાની સૂચના આપવાની સાથે લોકોને નદીમાં નાહવા, કાંઠે જવા, કાંઠે ઢોર લઇ જવા જેવી પ્રવૃત્તિઓ ટાળવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે ત્યારે હવામાન વિભાગે ૮ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ ૭ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. આ ઉપરાંત દિક્ષણ ગુજરાતના ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદના કારણે રાજ્યમાં નર્મદા ડેમ સહિત જળાશયોમાં હાલમાં ૭૪.૬૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ભિલોડા-મેઘરજમાં ઘૂંટણસમા પાણી, હાથમતી-બુઠેલી અને લીલછા નદી બન્ને કાંઠે વહી, નદીકાંઢાના ૨૦થી વધુ ગામોને સતર્ક કરાયાહવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૯.૬ ઇંચ વરસાદ ખાબકતા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પણ નદીમાં ફેરવાયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. જોકે હજુ પણ મેઘાની મહેર અવિરત ચાલુ છે. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતા નદીકાંઠાના ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભિલોડાના લીલછા, માકરોડા, ખલવાડ, જૂના ભવનાથ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં પણ ઠંડક છવાઇ છે. મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે જેમાં મંદિર પરિસર અને શામળાજીના બજારોમાં પાણી ભરાયા છે. ભિલોડા અને શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતાં હાથમતી અને બુઢેલી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરાંત લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપૂર આવતા ત્રણેય નદીઓએ ભારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જોકે ઘોડાપૂરને પગલે નદી કિનારના ૨૦થી વધુ ગામોને સતર્ક કરાયા છે. અત્યાર સુધી સિઝનનો ૮૫.૫૬ ટકા વરસાદ નોંધાયો : છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યાર સુધી સીઝનનો ૮૫.૫૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ૧૨.૧૮ ઇંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. આમ ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છમાં ૧૩૭ ટકા, દિક્ષણ ગુજરાતમાં મોસમનો ૯૫ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૬ ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩ ટકા વરસાદ નોંધાયો છે.