ઝારોલામાં ‘અમૃત સરોવર’નું લોકાર્પણ
‘સાંજનો છાંયડો’ સંસ્થામાં વડીલો સાથે મહેસુલ મંત્રીની મુલાકાત
રાજયના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજે રાષ્ટ્રના ૭૬મા સ્વાતંર્ત્ય પર્વની જિલ્લા કક્ષાના પેટલાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બોરસદ તાલુકાના ઝારોલા ગામના અમૃત સરોવરનું મહેસુલ મંત્રીએ લોકાર્પણ કર્યું હતું.
મહેસૂલ મંત્રી અને સાંસદ મિતેશભાઇ પટેલ ઝારોલા અમૃત સરોવર ખાતે દાતાના દાનથી મૂકવામાં આવેલ સરદારની પ્રતિમા અને તકતીનું અનાવરણ કરી સૂતરની આંટી પહેરાવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા જયારે અમૃત સરોવરનું પૂજન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઝારોલા ખાતેનું અમૃત સરોવરના તળાવનો વિસ્તાર ૧૫,૦૦૦ ચો.મી. છે. જેનો રાજયના તત્કાલિન મુખ્ય મંત્રી વિજયભાઇ રૃપાણીએ વર્ષ-૨૦૧૮માં સુજલામ સુફલામ યોજનાનો અહીંથી પ્રારંભ કરાવ્યો હતો.
આ સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ તળાવને ઊંડુ કરવામાં આવતાં પાણી માટેના ઇનલેટ અને તળાવની બહાર જતાં પાણી માટેના આઉટલેટના સ્ટ્રકચરનું સમારકામ અમૃત સરોવર યોજના હેઠળ કરવામાં આવ્યું છે જેના કારણે આજે આ તળાવ તેની મહત્તમ ક્ષમતા સાથે ભરાવા પામ્યું છે. મહેસૂલ મંત્રી ઝારોલા ગામમાં સહજ આનંદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત "સાંજનો છાંયડો" ડે કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.
આ "સાંજનો છાંયડો" ડે કેર સેન્ટરમાં ઝારોલા અને આજુબાજુના ગામના ૧૦૦થી પણ વધુ વડીલો અહીં પોતાનો સમય વીતાવી રહ્યા છે તેઓની સાથે મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ સંવાદ કર્યો હતો અને સેન્ટરમાં આપવામાં આવતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.