Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ગુજરાત: ધોધમાર વરસાદથી અનેક સ્થળો જળબંબાકાર
સિદ્ઘપુરમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ : બનાસકાંઠાના દાંતીવાડામાં ૭.૫ ઇંચ વરસાદ : રાજ્યના ૨૨૨ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર : રાજ્યમાં હજુ ૨-૩ દિવસ વરસાદની આગાહી
18/08/2022 00:08 AM Send-Mail
ભરૂચ : નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી : ડેમમાંથી ૫.૪૫ લાખ ક્યૂસેક પાણી છોડાતા ૨૫ ફૂટે પહોંચી : ૫૩ પરિવારોનું સ્થળાંતર, શાળાઓમાં રજા જાહેર
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૫.૪૫ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી ૨૫ ફૂટે પહોંચી છે, જેને લઇને સાવચેતીના ભાગરૂપે ૫૩ જેટલા કુટુંબના ૧૮૬ જેટલા લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીકાંઠા વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગત રોજ ૨ લાખથી વધુ ક્યુસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું. જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું હતું. ત્યારે આજરોજ ડેમમાંથી ૫.૪૫ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. ગતરોજ રાત્રે નદીની ભયજનક સપાટી વધી હતી. ત્યારે આજે સવારે ૧૦ કલાકે નદીની સપાટીમાં સતત વધારો થયો હતો. સપાટી વધીને ૨૫ ફૂટે પહોંચતા ભરૂચ પર પૂરનું સંકટ ઉભુ થતાં પાલિકા તંત્ર હકીકતમાં આવી ગયું હતું અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા ૫૩ જેટલા કુટુંબના ૧૮૬ જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું હતું. જ્યારે અંકલેશ્વર તાલુકાના સફરૂદ્દીન ગામના ૫૦૦ અને ખાલ્પિયા ગામના ૯૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં ૮૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

હાલ સમગ્ર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યાં છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૨ જેટલા તાલુકાઓમાં સાર્વદ્રિક વરસાદ નોંધાયો હતો. સતત ભારેથી અતિભારે વરસાદને પગલે રાજ્યની નદીઓમાં નવા નીર આવ્યા હતાં. ઉપરાંત રાજ્યના ડેમ અને જળાશયોમાં પણ પાણીનો જથ્થો મહત્તમ સપાટીએ પહોંચ્યો હતો.

આ તરફ પાટણ જિલ્લામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ધમાકેદાર જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતથી પંથકમાં વરસાદી માહોલ જામતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં સિદ્ઘપુરમાં ૮ ઇંચ, સરસ્વતીમાં ૪ ઇંચ, ચાણસ્મા, પાટણ, રાધનપુરમાં પોણા ચાર ઇંચ, રાંખેશ્વર, સાંતલપુરમાં સાડા ત્રણ ઇંચ, હારીજમાં પોણા ત્રણ ઇંચ અને સમીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં ૭.૫ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઇને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. આ ઉપરાંત અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. દાંતીવાડા ઉપરાંત પાલનપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી પંથકના વાડિયામાં સવા ચાર ઇંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. આ ઉપરાંત જૂનાગઢમાં પણ ૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલ પંથકમાં મોવિયા, વાસાવડ, દેરડી, ભોજપરા, બિલિયાળા, ચોરડી, રિબડા, ગોમટા, લીલાખા, કમઢિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તાલુકાના દેરડી, વાસાવડ, રાવણાં, ધરાળા સહિતના ગામોમાં બપોર સુધીમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ૬૯ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી ૪ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક રીતે સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.