બંગાળના હાવડામાં કચરાના ઢગલામાંથી ૧૦ છોકરી અને ૭ છોકરાના ભ્રૃણ મળ્યા
નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં આખરે આરોગ્ય વિભાગે તપાસ આરંભી
પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ઉલુબેરિયા શહેરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કચરાના ઢગલામાંથી ૧૭ ભ્રૂણ મળ્યા છે. ઉલુબેરિયાના બનિબાલા ખારા વિસ્તારમાં વોર્ડ નંબર ૩૧માં મળેલા આ ભ્રૂણમાંથી ૧૦ છોકરીના અને ૭ છોકરાના છે. દરેક ભ્રૂણને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે નગરપાલિકાના સફાઈ કર્મચારી ત્યાં કચરો ભરવા ગયા ત્યારે તેમણે પ્લાસ્ટિકની થેલીમાં ભ્રૂણ જોયા હતા. પોલીસે તપાસ શરૃ કરી દીધી છે. માનવામાં આવે છે કે ઉલુબેરિયા આસપાસ ઘણી હોસ્પિટલો છે. લોકોને શંકા છે કે ગર્ભપાત પછી ભ્રૂણને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતાં જ આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક લોકોએ નગરપાલિકાને આ વિશે ફરિયાદ પણ કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. હવે જિલ્લા સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ વાતને ગંભીરતાથી લીધી છે. અધિકારીઓને ઘટનાની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. એ ઉપરાંત ત્યાં આવેલી સ્થાનિક નર્િંસગ હોમ અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ લાવવાનું કહેવામાં આવ્યું છે, જેથી ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આ ભ્રૂણ ફેંકનારા લોકોની ઓળખ કરી શકાય.
ઉલુબેરિયામાં દોઢ કિમી વિસ્તારમાં ૩૦ જેટલી પ્રાઈવેટ હોસ્પિટલો છે, તેથી ત્યાંના સ્થાનિકો અને પોલીસને શંકા છે કે ત્યાં ગર્ભપાત પછી ભ્રૂણને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ઉપાધ્યક્ષ ઈમાનુર રહેમાન ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ બધા ભ્રૂણ ઘણીવાર સુધી ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પડયા રહ્યા હતા. એની આસપાસ કૂતરા ફરતા હતા. નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.