દેનાપુરા દૂધ મંડળીની તિજોરીમાંથી ચોરી થયેલ ૧.૩૮ લાખ વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો આદેશ
દૂધ મંડળીએ પ્રિમીયમ ભરીને પોલિસી મેળવેલ હોવાથી ક્ષુલ્લક કારણોસર વીમા દાવો નામંજૂરનું પગલું યોગ્ય ન ઠેરવી શકાય : કોર્ટ
આણંદ તાલુકાના અડાસમાં આવેલ દેનાપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. દ્વારા શોપકીપર્સ ઇન્સ્યોરન્સ અને મની ઇન્સ્યોરન્સ પ્રકારનો વીમો મેળવીને પ્રિમીયમની ચૂકવણી કરવામાં આવી હતી. દરમ્યાન દૂધ મંડળીના દરવાજા તોડીને તિજોરીમાં મૂકેલ સભાસદ બોનસ, દૂધ ચૂકવણીના રૂ.૧,૩૮,૧૩૭ તસ્કરો ચોરી ગયા હતા. આ અંગે દૂધ મંડળી દ્વારા વાસદ પોલીસ સ્ટેશને ફરિયાદ તેમજ જરુરી દસ્તાવેજો, પુરાવા સહિત વીમા કંપનીમાં કલેઇમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ જરુરી સર્વ કર્યા બાદ કલેઇમની રકમ ચૂકવી ન હતી. આથી દૂધ મંડળીના સેક્રેટરી દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન,આણંદમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે બંને પક્ષોની દલીલો, પુરાવા સહિતની બાબતોને ધ્યાને લઇને દૂધ મંડળીને રૂ. ૧.૩૮ લાખ વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતોમાં દેનાપુરા દૂધ ઉત્પાદક મંડળી લિ. દ્વારા ધી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિ.ની આણંદ શાખામાંથી વર્ષ ર૦૧૭થી શોપ કીપર્સ પોલીસી અને મની ઇન્સ્યોરન્સ પ્રકારનો વીમો લેવામાં આવતો હતો. પોલીસી ચાલુ હોવા દરમ્યાન ગત તા. ૧ર જુલાઇ, ર૦૧૮ના રોજ ડેરીના અંદરના રૂમના બારણાં તોડીને તસ્કરોએ તિજોરીનું લોક તોડીને સભાસદ બોનસ, દૂધ ચૂકવણીના રૂ.૧,૩૮,૧૩૭ની ચોરી કરી હતી. આ અંગે દૂધ મંડળી દ્વારા વાસદ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને ચાર્જશીટ કરી હતી અને આણંદની કોર્ટમાં આ ફરિયાદ પેન્ડિંગ હોવાથી ચોરી થયેલ રકમ દૂધ મંડળીને પરત મળી ન હતી.
આથી દૂધ મંડળી દ્વારા ચોરી થયાની ઘટના અંગેની બાબતો સાથે વીમા કંપનીમાં દાવો કર્યો હતો. જેમાં વીમા કંપની દ્વારા મંડળીનો સર્વ,નોટરાઇઝ કરેલા દસ્તાવેજો મેળવ્યા હતા. ત્યારબાદ દાવાની ચૂકવણી કરવામાં આવી નહતી. આથી દૂધ મંડળીના સેક્રેટરી કિરણભાઇ પરમારે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં વીમા કંપની તરફેથી જવાબ રજૂ કરાયો હતો કે, ફરિયાદીને હાલની ફરિયાદ દાખલ કરવાનો હકક અધિકાર નથી. પોલીસ સ્ટેશનનું સર્ટીફિકેટ રજૂ કરાયું નથી. ચાર્જશીટમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યાનું દર્શાવેલ હોવાથી ચોરીની રકમ મળી ગયેલ હોવી જોઇએ અને તપાસકર્તા પોલીસ અધિકારી કે ફરિયાદ આ અંગે જરુરી માહિતી મોકલે તો વીમા કંપની આ બાબતની ખરાઇ કરી શકે. આથી ફરિયાદ રદ કરવા વીમા કંપની તરફથી માંગણી કરવામાં આવી હતી.
કોર્ટે નોંધ્યું હતું કે, દૂધ મંડળીની વીમાની રકમ ૩ લાખ હતી. વીમા શરતો મુજબ નિયત સમયમાં કલેઇમ દાખલ કરાયો હતો અને વીમા કંપની દ્વારા એફઆઇઆર, પંચનામું, મીડિયાના કટીંગ વગેરે દસ્તાવેજો મંગાવ્યા હતા. છતાંયે કલેઇમની રકમ ચૂકવવામાં આવી નથી. ચાર્જશીટમાં મુદ્દામાલ નીલ બતાવેલ છે અને તેનો અર્થ એમ થાય છે કે પોલીસ આરોપી પાસેથી કોઇપણ રીતે મુદ્દામાલ રીકવર કરી શકેલ નથી. જયારે ફરિયાદીએ જાહેર કર્યુ છે કે, ભવિષ્યમાં આ કામનો મુદ્દામાલ મળી આવશે તો વીમા કંપની અથવા ગ્રાહક કોર્ટમાં જમા કરાવશે તેવી બાંહેધરી આપી છે. આથી માત્ર ચાર્જશીટમાં અસંદિગ્ધતા હોય તે અંગે જરુરી તપાસ વગર અને ક્ષુલ્લક કારણોસર ફરિયાદીનો યોગ્ય વીમા દાવો નામંજૂર કર્યાનું વીમા કંપનીનું પગલું યોગ્ય ઠરાવી શકાય નહી.
આ કેસમાં ગ્રાહક કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, વીમા કંપનીએ દેનાપુરા દૂધ મંડળીને રૂ. ૧,૩૭,૧૩૭ હુકમ તારીખથી બે માસમાં વસૂલ આપવા. આ રકમ ઉપર અરજી તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ તથા માનસિક ત્રાસ બદલ રૂ. ૩ હજાર અને ફરિયાદ ખર્ચના રૂ. ર હજાર પણ ચૂકવવા હૂકમ કર્યો હતો.