વસો તાલુકાના સરપંચોએ આવેદન દ્ઘારા માંગ કરી, 'તલાટીની સત્તાઓ અમને આપો'
અરજદારોને રોજબરોજના ધકકા નિવારવા રર ગામોના તલાટીઓને ફરજ પર હાજર કરવા માંગ
છેલ્લા કેટલાય દિવસોથી રાજયની સાથોસાથ ખેડા જિલ્લાના તલાટીઓ પણ પોતાની માંગણી સંદર્ભે હડતાળ પર ઉતર્યા છે. જેથી ગામના વિકાસ કાર્યો પર સંપૂર્ણ બ્રેક વાગી છે. જેના કારણે વિવિધ દાખલા સહિતના કામસર અરજદારોને પંચાયત કચેરીના રોજબરોજ ધક્કા ખાવા પડી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વસો તાલુકાના ગામડાઓના સરપંચોએ ૨૨ ગામોના તલાટીઓને હાજર કરો અથવા તો સરપંચને તલાટીની સત્તા આપવા માંગ કરતું આવેદનપત્ર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર અને ઈ.જિલ્લા વિકાસ અધિકારી પી.આર. રાણાને આપ્યું છે.
જો કે આ આવેદનપત્ર મામલે થતી ચર્ચાનુસાર સરપંચને તલાટીની સત્તા આપવાની માંગવાળું આવેદનપત્ર એકંદરે વિચિત્ર લાગી રહ્યું છે. કારણ કે અનેક ગામડાઓમાં સરપંચો માત્ર બે-ત્રણ ચોપડી ભણેલા હોય ત્યારે આ પ્રકારની વહીવટી સત્તાની માંગણી કેટલા અંશે યોગ્ય ગણાય? આવેદનપત્રમાં જણાવાયું છે કે, વસો તાલુકાના ૨૨ ગામોમાં ૨ ઓગસ્ટથી હડતાલના કારણે આજદિન સુધી તલાટીઓ ગ્રામ પંચાયતમાં આવ્યા નથી. જેથી અમારા ગામોના દરેક કામ અટકી ગયા છે અને ગામના લોકોને તકલીફ પડે છે, ઉપરાંત તલાટી ન હોવાથી ગામના ગરીબ પરિવારોને સરકારી લાભો મળતા પણ બંધ થયેલ છે. પંચાયતમાં લાઈટબિલ તથા પંચાયતના કર્મચારીના પગારો અને વિકાસના કામો પણ અટકી ગયેલ છે.
વધુમાં જણાવાયું છે કે, તલાટીઓને હાજર ન કરવા હોય તો તલાટીની સહીની સરપંચને ઓથોરીટી આપીને પંચાયતનું કામ રાબેતા મુજબ કરવા રજૂઆત કરાઈ છે. આવેદનપત્ર મામલે તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો સરપંચોએ પણ ગાંધી ચીંધ્યા માર્ગ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.