આણંદની આસ્થા હોસ્પિટલમાં આંતરડાના ઓપરેશન દરમ્યાન મહિલાના મોતને લઈને હોબાળો
મસાની બિમારીથી પીડાતી મહિલાને ડો. હેમંત ભટ્ટની હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, ઓપરેશન બાદ સ્થિતિ કથડી જતા સામે આવેલી ડો.પંકજ પરીખની હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં અવસાન : શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો સવારે પીએમ કરાવાશે
આણંદ શહેરના ગુરૂદ્વારા સર્કલથી શાસ્ત્રી બાગ તરફ જતા ડો. કુક રોડ ઉપર આવેલી આસ્થા હોસ્પિટલમાં આજે સાંજના સુમારે એક મહિલાનું ઓપરેશન દરમ્યાન મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવી મુક્યો હતો. જેને લઈને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડીને સમગ્ર બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ચિખોદરા ગામે રહેતા નંદાબેન રમણભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી મસાની બિમારીથી પીડાતા હતા જેને લઈને આજે સાંજના સુમારે ડો. હેમંતભાઈ ભટ્ટની આસ્થા હોસ્પિટલમાં આંતરડાનું ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું હતુ. આ દરમ્યાન કહેવાય છે કે, વધુ પ્રમાણમાં લોહી નીકળી જતાં નંદાબેનની હાલત કફોડી થઈ જવા પામી હતી. જેથી તેમને તુરંત જ સામે આવેલી ડો. પંકજ પરીખની વિહાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતુ. ડોકટરની બેદરકારીને મોત થયાનું માનીને પરિવારના સભ્યોએ મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો અને ભારે હોબાળો મચાવી મુક્યો હતો.
ઘટનાની જાણ શહેર પોલીસને થતાં જ પોલીસની બે ગાડીઓ તુરંત જ આસ્થા હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને પરિવારજનોનો રોષ ઠંડો પાડ્યો હતો. આ અંગે પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. શહેર પીઆઈ આર. એન. ખાંટના જણાવ્યા અનુસાર આવતીકાલે મૃતદેહનું પીએમ કરવામાં આવશે જેમાં મોતનું કારણ જાણવા મળશે. જો ડોક્ટરની બેકાળજીને કારણે મોત થયું હશે તો આ અંગે ગુનો પણ દાખલ કરવામાં આવશે.