દેવાતળપદમાં રેશનકાર્ડ બાબતે બે ભાઈઓને લાકડીથી માર મારતાં ફરિયાદ
સોજીત્રા તાલુકાના દેવા તળપદ ગામના વિરસદપુરા ખાતે રેશનકાર્ડ લેવા માટે ગયેલા પુત્ર સાથે પિતા, માતા અને કાકાઓએ ઝઘડો કરીને લાકડીઓથી બે ભાઈઓને માર મારતાં આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ફરિયાદી હરેશભાઈ અરવિંદભાઈ બારૈયાને ભંડારમાંથી અનાજ લાવવાનું હોય સંયુક્ત રીતે ચાલતું રેશનકાર્ડ નજીકમાં જ રહેતા પિતા અરવિંદભાઈ શંકરભાઈ બારૈયાને ત્યાં લેવા માટે ગયો હતો. જ્યાં પિતાએ રેશનકાર્ડ આપવાની ના પાડી દીધી હતી. અને ગમે તેવી ગાળો બોલી હતી. દરમ્યાન અરવિંદભાઈનું ઉપરાણું લઈને તેમના ભાઈ મહેન્દ્રભાઈ, ઉદેસંગભાઈ અને પત્ની મંજુલાબેન પણ આવી પહોંચ્યા હતા અને મહેન્દ્રભાઈએ પોતાની પાસેની લાકડી હરેશભાઈને માથામાં મારી દેતાં ઈજાઓ થવા પામી હતી.ભાઈ મુકેશભાઈ વચ્ચે છોડાવવા પડતાં ઉદેસંગભાઈએ તેને લાકડીની ઝાપોટ માથાના ભાગે મારીને ઈજાઓ પહોંચાડી હતી. અરવિંદભાઈએ લાકડી હરેશભાઈને ખભાના ભાગે મારી દીધી હતી. જ્યારે મંજુલાબેને ગમે તેવી ગાળો બોલીને ઉશ્કેરણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.