Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ઓસ્ટ્રેલિયામાં જમીનની નીચે વસેલું છે રમણીય ગામ, મકાનો મહેલ સમાન આલિશાન
અસહ્ય ગરમીથી બચવા ખાણોમાં કામ પૂરું થયા બાદ લોકોએ ત્યાં જ સુવિધાઓ સાથે રહેવાનું શરુ કર્યુ
26/09/2022 00:09 AM Send-Mail
મોટાભાગે કોઇ ગામનું નામ સાંભળવા મળે ત્યારે મોટાભાગે જર્જરિત અને કાચા-પાકાં નાના મકાનોની છબી અને ધૂળિયા રસ્તા નજર સામે ઉપસી આવે. પરંતુ દરેક ગામમાં આવી સ્થિતિ હોતી નથી. ઓસ્ટ્રેેલિયામાં જમીનની નીચે વસેલું કૂબર પેડી નામનું ગામ ખુબસુરત હોવા સાથે અહીંના મકાનો આલિશાન મહેલ સમાન જોવા મળે છે.

દિક્ષણ ઓસ્ટ્રેલિયા સ્થિત કૂબર પેડી ગામને ઓપલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ પણ કહેવામાં આવે છે. કારણ કે અહીંયા વિશ્વની સૌથી વધુ, આશરે અઢી લાખ ખાણો આવેલી છે. વર્ષ ૧૯૧પમાં અહીં ઓપલ નામનો કિંમતી પથ્થર શોધવા માટે ખાણોમાં ખોદકામ શરુ કરાયું હતું. આ જગ્યા રેતાળ હોવાના કારણે ગરમીની ઋતુમાં તાપમાન ખૂબ વધી જાય છે અને શિયાળામાં ઘટી જાય છે. જેના કારણે ખાણોમાં કામ કરતા લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આથી આ સ્થિતિને ટાળવા માટે લોકોએ અનોખી તરકીબ અપનાવી હતી. જેમાં કામ પૂરું થયા બાદ લોકોએ ખાણોમાં જ રહેવાનું શરુ કર્યુ. ત્યારથી અત્યાર સુધી લોકોએ ખાણોને જ ઘર બનાવી દીધી છે. અહીં આશરે સાડા ત્રણ હજારથી પણ વધુ લોકો વસવાટ કરે છે.

કૂબર પેડીના મકાનો જોઇને કોઇ હોટલમાં આવી પહોંચ્યાનો અહેસાસ થાય. અહીંના ઘરોમાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ અને રસોડા પણ બનાવાયું છે. ગામમાં અન્ડરગ્રાઉન્ડ ચર્ચ પણ છે. ગામમંા બિયર બાર સહિત હજારો દુકાનો આવેલી છે. જેમાં જવેલરી શોપ પણ સામેલ છે. નવાઇની વાત એ છે કે ચોતરફ રેગીસ્તાનથી ઘેરાયેલા આ ગામના ઘરોમાં તાપમાન હંમેશા સામાન્ય રહે છે. જેમાં ઉનાળામાં વધુમાં વધુ ર૭ ડિગ્રી અને શિયાળામાં ઓછામાં ઓછું ૧૪ ડિગ્રી તાપમાન સીમિત રહે છે.૧૯ર૧થી અહીં ચોમાસામાં માંડ અડધાથી એક ઇંચ વરસાદ વરસે છે. જયારે સૌથી વધુ ર૦૧૪માં એક દિવસમાં ૪ ઇંચ વરસાદ વરસતા અહીંની ખાણોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. રેગીસ્તાન હોવાનો ફાયદો ઉઠાવીને લોકો અહીં રાત્રિના સમયે ગોલ્ફ રમવા ઉમટે છે. કારણ કે દિવસે અસહ્ય ગરમી હોય છે. આથી રાત્રિના સમયે ચમકતા બોલ વડે ગોલ્ફ રમવામાં આવે છે. જો કે ગોલ્ફ રમવા માટે અહીં ગોલ્ફ કલબની પણ સ્થાપના કરવામાં આવી છે.