Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં માફકસરનો વરસાદ અને ડાંગર પાકમાં રોગ ન આવતા વિપુલ ઉત્પાદનની વકી
આગામી સમયમાં રોગ ન દેખાય તો વીઘે પ૦થી ૬૦ મણ ડાંગરનો ઉતારો મળવાનું ખેડૂતોનું અનુમાન
01/10/2022 00:10 AM Send-Mail
માફકસરનો વરસાદ અને કોઈ રોગ નહિ આવતા આ વર્ષ ચરોતરમા ડાંગરનું વિપુલ ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ડાંગરનો ઉતારો સારો મળે તો ખેડૂતોની દિવાળી સારી જવાની ધારણા હાલ પુરતી બંધાઈ છે.

ખરીફ ખેતી પાકોમાં ચરોતરમાં ડાંગરની ખેતી મુખ્યત્વે કરવામાં આવે છે. આણંદ જિલ્લાના ખંભાત, તારાપુર, પેટલાદ, સોજીત્રા અને ખેડા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ડાંગરની ખેતી મોટા પાયે કરવામાં આવે છે. ખંભાત, તારાપુર અને માતર તાલુકો ડાંગરની ખેતીનું હબ ગણાય છે. ડાંગરની સિઝન ચાલુ થતાં જ ખંભાત અને તારાપુર એ.પી.એમ.સી. માં ડાંગરનું વેચાણ કરવા ખેડૂતોની કતાર લાગે છે અને દિવસની હજારો મણ ડાંગરની આવક થાય છે. વેપારીઓ પણ ડાંગરની ખરીદી કરવા ખંભાત અને તારાપુર બજાર સમિતિમાં ઉમટી પડે છે. ત્યારે આ વર્ષ ડાંગરની ખેતીમાં કોઈ રોગ આવ્યો ન હોય તેમજ માફકસરનો વરસાદ થયો હોઈ ડાંગરનો ઉતારો વિપુલ પ્રમાણમાં મળવાની ખેડૂતોને હૈયાધારણા બંધાઈ છે.

આણંદ જિલ્લાંમાં ડાંગરનું કુલ વાવેતર ૧,૨૧,૯૦૭ હેક્ટરમાં કરાયું છે. જેમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર ખંભાત તાલુકામાં ૩૫૯૪૪ હેક્ટરમાં, તારાપુરમાં ૨૫૫૪૧ હેક્ટર, પેટલાદ અને સોજીત્રા તાલુકામાં અનુક્રમે ૧૩,૪૨૦ અને ૧૨૪૧૫ હેક્ટરમાં વાવેતર કરાયું છે. બોરસદમાં ૧૮૨૭૩, ઉમરેઠમાં ૮૧૭૭, આણંદમાં ૬૫૪૫ અને આંકલાવમાં સૌથી ઓછું ડાંગરનું વાવેતર ૧૫૯૨ હેક્ટરમાં કરાયું છે. હાલમાં ડાંગરનો પાક સારી સ્થિતિમાં છે અને આજ સ્થિતિમાં રહે તો વીઘે પચાસથી સાહિઠ મણ ડાંગરનો ઉતારો મળવાની શક્યતા ખેડૂતો જોઈ રહ્યા છે. બાલિન્ટાના ખેડૂતના જણાવ્યા મુજબ હાલમાં ડાંગર નેઘલમાં આવી ગઈ છે અને દશેરા બાદ ડાંગરની કાપણી કરવાનું શરૂ થઈ શકે છે. ચરોતર પંથકમા દિવાળી પૂર્વ તમામ ડાંગરનો પાક લેવાઈ જશે અને વેચાણ અર્થ બજારમાં આવી જશે. જીચકાના ખેડૂત નીલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તારાપુર અને ખંભાત પંથકમાં હજુ ડાંગરના છોડ ઉપર કંટી આવવાનું શરૂ થયું છે એટલે દિવાળીની આસપાસ ડાંગરનો પાક તૈયાર થઈ જશે. આ વર્ષ ડાંગરનો પાક સારો છે અને આગામી દિવસોમાં પાછોતરો (બગાડુ) વરસાદ કે રોગચાળો ન આવે તો ખેડૂતોની દિવાળી સુધરી જવાની ખેડૂતોને આશા બંધાઈ છે.