સુંદણની સગીરાને ભગાડી લઈ ગયા બાદ દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા
સગીરાને બાઈક પર ભગાડવામાં મદદગારી કરનાર બે શખ્સોને પણ ૭-૭ વર્ષની સખ્ત કેદની સજા : સરકારી વકીલ જે. એચ. રાઠોડની દલિલો તેમજ રજૂ કરેલા પુરાવાઓના આધારે મહેન્દ્ર ગોહેલને સજાનો હુકમ કરતા સ્પે. પોક્સો જજ જી. એચ. દેસાઈ : ભોગ બનનાર કિશોરીને વળતર પેટે ૫ લાખ ચૂકવવા આદેશ
આણંદ તાલુકાના સુંદણ ગામેથી એક કિશોરીને બાઈક પર ભગાડીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને તેણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે મુખ્ય સુત્રધારને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ ભગાડવામાં મદદરૂપ થયેલા બે શખ્સોને પણ સાત-સાત વર્ષની કેદની સજાનો હુકમ સંભળાવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આંકલાવ તાલુકાના હળદરી વાંટામાં રહેતો મહેન્દ્રભાઈ ઉર્ફે કાળિયો કનુભાઈ ગોહેલ ગત ૩-૧૨-૧૩ના રોજ રાત્રીના સુમારે સુંદણ ગામના ગોહેલપુરા ખાતે રહેતી એક ૧૬ વર્ષ અને છ મહિનાનીને પોતાના બે મિત્રો ભાવિનકુમાર ઉર્ફે મઘડો ઉર્ફે જગદીશ અભેસિંહ પરમાર (રે. હળદરીવાંટા) અને જગદીશ ઉર્ફે ગગો રવિન્દ્રભાઈ જાદવ (રે. દાવોલ)ની મદદથી બાઈક પર ભગાડીને લઈ ગયો હતો. પ્રથમ સાવલી અને ત્યાંથી પાવાગઢ ત્યારબાદ ચાણોદ, બિહોલ અને તિલકવાડા ખાતે લઈ જઈને મહેન્દ્ર ઉર્ફે કાળિયાએ અવાર-નવાર સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ તરફ વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન સપ્ટેમ્બર-૨૦૧૪માં પોલીસે મહેન્દ્ર, ભાવિનકુમાર અને જગદીશની ધરપકડ કરીને તપાસ પુર્ણ કરીને આણંદની કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતુ. આ કેસ આણંદના સ્પન્શ્યલ જજ અને એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત સરકારી વકીલ જે. એચ. રાઠોડે દલિલો કરતા જણાવ્યું હતુ કે, સગીરાને ભગાડીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને નવ મહિના સુધી રાખીને તેણી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે. જે ભોગ બનનારની જુબાની તેમજ રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓ પરથી ફલિત થાય છે. સમાજમાં આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધવા પામ્યું છે ત્યારે આવા ગુનાઓ બનતા અટકે તે માટે દાખલારૂપ કાયદામાં પ્રસ્થાપિત મહત્તમમાં મહત્તમ સજા કરવા માટે અપીલ કરી હતી. તેઓેએ પોતાના કેસના સમર્થનમાં ૧૨ સાક્ષીઓ તપાસ્યા હતા અને ૧૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કર્યા હતા.
જજ જી. એચ. દેસાઈએ સરકારી વકીલની દલિલો તેમજ રજુ કરેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને તકશીરવાર ઠેરવ્યા હતા. જેમાં મુખ્ય આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે કાળિયાને કુલ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને ૨૯ હજાર રૂપિયાનો દંડ, જો દંડ ના ભરે તો વધુ ૮ માસની સાદી કેદની સજા તેમજ મદદગારી કરનાર ભાવિનકુમાર ઉર્ફે મઘડો અને જગદીશ ઉર્ફે ગગાને સાત-સાત વર્ષની સખ્ત કેદ અને ૧૨-૧૨ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે સાથે ભોગ બનનાર કિશોરીને પાંચ લાખ વળતર પેટે ચુકવવા પણ હુકમ કર્યો હતો.