Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
તારાપુર પાસેથી આઈશરમાં ઘરવખરીના સામાનની આડમાં લઈ જવાતી ૨૫૭૯ વિદેશી દારૂની બોટલ ઝડપાઈ
ડ્રાયવર સહિત કિશોરની અટકાયત : ૧૨.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો,ગુડગાંવથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ભાવનગર લઈ જવામાં આવતો હતો
01/10/2022 00:10 AM Send-Mail
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે તારાપુર નજીક વોચ ગોઠવીને એક આઈશર ટેમ્પામાં ઘરવખરીના સરસામાનની આડમાં લઈ જવાતા ૨૫૭૯ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાયવર અને કિશોરને ઝડપી પાડીને કુલ ૧૨.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, એક સફેદ કલરના મહારાષ્ટ્ર પાર્સિંગના આઈશર ટેમ્પામાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરીને સૌરાષ્ટ્ર તરફ જનાર છે. જેના આધારે પોલીસની ટીમ તારાપુરથી વટામણ રોડ તરફ જતા ખેતલા આપા ટી સ્ટોલ નજીક વિહત લાખુ ફાર્મ પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક આઈશર ટેમ્પો નંબર એમએચ-૪૬, એમબી-૦૧૦૯નો આવી પહોંચતા પોલીસે તેને અટકાવીને તપાસ કરતા ટેમ્પાની પાછળના ભાગે જુના સોફા, તિજોરી, ખુરશીઓ વગેરે સરસામાન ભરેલો મળી આવ્યો હતો. જેને હટાવીને જોતા વિદેશી દારૂની પેટીઓ જણાઈ આવી હતી.

જેની હેરાફેરી કરવા અંગે ડ્રાયવર તેમજ તેની સાથેના કિશોર પાસે લાયસન્સની માંગણી કરતા નહીં હોવાનું જણાવ્યું હતુ. ડ્રાયવરનું નામઠામ પુછતાં તે રાજસ્થાનના ઈન્દાસર ગામે રહેતો બળવંત રામસ્વરૂપ ચમાર હોવાનું જણાવ્યું હતુ. ટેમ્પાને તારાપુર પોલીસ મથકે લાવીને ખાલી કરી ગણતરી કરતા વિદેશી દારૂની નાની-મોટી અલગ-અલગ બ્રાન્ડની કુલ ૨૫૭૯ બોટલો થવા પામી હતી. જેની કિંમત ૯,૮૦,૩૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે ડ્રાયવરની અંગજડતી કરતા મોબાઈલ ફોન, રોકડ રકમ વગેરે મળી આવ્યુ હતુ. જે સાથે કુલ ૧૨,૮૭,૮૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા ડ્રાયવરની વધુ પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો એક વ્યક્તિએ મોબાઈલ નંબર પર સંપર્ક કરીને ગુડગાંવથી ભરી આપ્યો હતો અને ભાવનગર જવા જણાવ્યું હતુ. જે અંતર્ગત તે ભાવનગર જઈ રહ્યો હોવાની કબુલાત કરી હતી.