Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
હજાર રાહેં મુડ કે દેખીં, કહીં સે કોઈ સદા ન આઈ...
શબાના આઝમીનો અભિનય પ્રથમવાર શ્યામ બેનેગલના 'અંકુર'થી સિનેમાના પડદે અંકુરિત થયો તે પછી પણ તેમની કરિયર વાસ્તવદર્શી ગણાતા 'સમાંતર સિનેમા'માં અધિક મ્હોરી છે. એટલે તેમની ફિલ્મોના ગીત-સંગીતની ચર્ચા કદાચ એટલી થઈ નથી. પણ એવી સુરીલી સ્મૃતિઓ આજે તાજી કરીએ તો સૌ પ્રથમ તો પ્રિય જગજીતસિંગનો સંવેદનશીલ અવાજ જ અંતરમનને ભીંજવવા માંડે... 'તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો...' કોઇ માને કે એ શબાનાજીના જન્મદિને ગવાતું બર્થ ડે સોંગ છે!
02/10/2022 00:10 AM Send-Mail
(ગતાંકથી આગળ) શબાના આઝમીનાં ગીતોમાં તેમની બોક્સ ઓફિસ પર નીવડેલી પ્રથમ હિટ ફિલ્મ 'ફકીરા'ના ટાઇટલ ગીતનું મૂળ કવિવર રવીન્દ્રનાથ ટાગોરના એક જાણીતા કાવ્યમાં હતું. એ ગીત 'સુનકે તેરી પુકાર, સંગ ચલને કો તેરે કોઇ, હો ના હો તૈયાર, ચલ ચલા ચલ, અકેલા ચલ ચલા ચલ' ને સાંભળતાં ગુરૃદેવ ટાગોરની બંગાળી કવિતા 'ઍક્લા ચોલો રે' યાદ આવી જાય. તેનો ગુજરાતી ભાવાનુવાદ ગાંધીજીના રહસ્ય સચિવ (સાદી ભાષામાં કહીએ તો, સેક્રેટરી) મહાદેવભાઇ દેસાઇએ કેવો અદભૂત કર્યો હતો? યાદ છે ને સ્કૂલની પ્રાર્થનામાં રવીન્દ્ર સંગીતની તર્જ પર ગવડાવાતી એ રચના? 'તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે...' પણ 'ફકીરા' શબાના માટે એક ચેલેન્જ હતી. તેમણે 'અંકુર' અને 'નિશાંત'થી ગામડાની કચડાયેલી મહિલાની નોન-ગ્લેમરસ ભૂમિકા માટે સમાંતર સિનેમામાં નોંધ લેવડાવ્યા છતાં સવાલ એ હતો કે શું એ હિન્દી ફિલ્મોની ટિપિકલ હિરોઇન બની શકે? કારણ કે તેમની એન્ટ્રિના દિવસોમાં એક મેગેઝીનના કવર પર શબાનાનો ફોટો અને એક ક્વોટ મોટા અક્ષરે છપાયા હતા. તેમાં શબાનાએ કમર્શિયલ સિનેમાની હિરોઇનો કરતાં પોતે અલગ છે એ કહેવા આવો ફુંફાડો માર્યો હતો કે 'આઇ એમ નોટ યોર ટિપિકલ સુનિતા'!

જો કે એ રીતે ઇન્ડસ્ટ્રીને ચોંકાવ્યા પછી બીજા-ત્રીજા વર્ષે જ તેમને જાણે કે સિનેમાનું એક સનાતન સત્ય સમજાઇ ગયું; તમારી 'હટકે' ફિલ્મો ચલાવવા પણ બોક્સ ઓફિસ પર અન્ય હિટ ફિલ્મો જોઇએ. એટલે પેલા ક્વોટને નષ્ટ કરતાં હોય એમ તેમણે 'ફકીરા'માં કામ કર્યું. તેમાં 'તોતા મૈના કી કહાની તો પુરાની હો ગઈ...' કોમર્શિયલ સિનેમાની સ્ટાઇલમાં હેન્ડસમ શશીકપૂર સાથે ગાયું અને ફિલ્મ હિટ પણ થઈ! તે પછીના વર્ષે 'અમર અકબર એન્થની' જેવી સુપરડુપર સફળ ફિલ્મનો તે હિસ્સો બન્યાં. તેમાંના એક ગાયનમાં લક્ષ્મી-પ્યારે માટે લતાજીની અનિવાર્યતા કેવી હતી એ દેખાયું. એ ગીત 'હમકો તુમસે, હો ગયા હૈ પ્યાર' ત્રણ હિરો અને ત્રણ હિરોઈન પર પિક્ચરાઇઝ કરવામાં આવ્યું હતું. તેમાં અમિતાભ માટે રફી સાહેબ, વિનોદ ખન્ના માટે મુકેશ અને રિશી કપૂર માટે કિશોરકુમાર એમ ત્રણ પુરુષ એક્ટરના ત્રણ અલગ અલગ ગાયક હતા. જ્યારે હિરોઈનો શબાના ઉપરાંત પરવીન બાબી અને નીતુ સીંગ પણ હતી. પરંતુ, મજાની વાત એ હતી કે એ ત્રણે માટે એક માત્ર લતા મંગેશકરનો જ અવાજ હતો! અન્ય એક ચિત્ર 'અવતાર'થી રાજેશ ખન્નાનું પુનરાગમન થયું હોવાનું કહેવાતું. તેમાં ખન્ના અને શબાના માટે કિશોર-લતાએ એક ડયુએટ ગાયું હતું, 'દિન, મહિને, સાલ ગુજરતે જાયેંગે...' જે પણ પોપ્યુલર થયું હતું. તો આર.ડી. બર્મને શબાના માટે ગુલઝારના 'નમકીન'માં આશા ભોંસલેના કંઠનો કેવો આલ્હાદક ઉપયોગ કર્યો હતો! 'નમકીન'માં શબાના આઝમીની ભૂમિકા એક મુંગી છોકરીની હતી. પણ તેમાં તેમના પર ફિલ્માવાયેલું ગીત 'ફિર સે આઇયો, બદરા બિદેસી' આશાજીનાં યાદગાર ગીતોમાં ગણાય છે. (મુઝે કાલી કમલી વાલે કી સોં!) એ જ ગુલઝારે 'થોડી સી બેવફાઈ'ના શિર્ષક ગીત 'હઝાર રાહેં મુડ કે દેખીં'માં શબાના માટે છેલ્લા અંતરામાં આપેલી પંક્તિઓ કવિનાં અછૂતાં કલ્પનોની એક શ્રેષ્ઠ મિસાલ છે. લતાજી ગાય છે, 'હૈ નામ હોટોં પે અબ ભી લેકિન, આવાઝ મેં પડ ગઈ દરારેં' વિખુટા પડેલા પ્રિયજન સાથે સંપર્ક તાજો કરવામાં સ્વમાનને નડતી મજબુરીઓને વર્ણવવા 'અવાજમાં તિરાડ'? ક્યા બ્બાત હૈ! એવી બેમિસાલ ઇમેજરીએ ગુલઝારને તે રચના માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ અપાવ્યો હતો. ફરી એ જ ગુલઝાર અને એ જ પંચમદા 'દેવતા'માં એક અનોખું ગીત આપે છે. 'દેવતા'ના ગીત 'ચાંદ ચુરાકે લાયા હું...'માં હિન્દી સિને સંગીતમાં જવલ્લે જ જેનો ઉલ્લેખ થયો હશે એ 'ચર્ચ' રણકે છે.

તેની મુખડાની જ પંક્તિમાં ગુલઝાર લખે છે, 'ચલ બૈઠેં ચર્ચ કે પીછે...' એ ગીતમાં હિરો-હિરોઇન બન્ને પોતે ચંદ્ર ચોરી લાવ્યાનું કહે છે અને પછી બેઉ ઝાડ નીચે બેસવાનો પ્લાન કરે છે (બૈઠેં પેડ કે નીચે). પ્રેમીઓના સ્વીટ નથીંગ્સના એ ગાયનમાં શું ચાંદલીયો એ પ્રેમનું પ્રતિક હશે? પણ એ બધા કરતાં શબાના પર પિક્ચારાઇઝ કરાયેલા 'સ્વામી' ફિલ્મના ગીતને એક અલાયદા ક્લાસમાં મૂકવું પડે. 'સ્વામી' એ શરદબાબુની બંગાળી વાર્તા 'સૌદામિની'નું એ ફિલ્મી સ્વરૃપ હતું. તેમાં ગામડાની ગોરી શબાનાને પ્રેમી બનતા વિક્રમ પહેલી વખત ચુંબન કરે છે એવો આડકતરો સીન આવે છે. યુવાન થતી કુંવારિકાના હોઠને પુરૃષના હોઠનો પ્રથમ સ્પર્શ થાય ત્યારે અચાનક એક અલગ અનુભૂતિ થાય તેને ગીતકાર અમીત ખન્નાએ કેવો શબ્દદેહ આપ્યો છે... 'પલ ભર મેં યે ક્યા હો ગયા વો મૈં ગઈ વો મન ગયા...'! રાજેશ રોશનના સંગીતની એ કમાલ છે કે લતા મંગેશકરનાં ગાયન ગાનાર અનુભવીઓને પણ તેના અંતરાને નિભાવવામા ચૂક ના થઈ જાય એની ભીતિ સતત રહે. આ ગીતમાં 'ભીગે હોંઠ તેરે' પ્રકારનું સિચ્યુએશન હોવા છતાં શબાના આઝમીનો એ ભાવને વ્યક્ત કરતો સુક્ષ્મ અભિનય જોઇને સમજાય કે દિગ્દર્શક બાસુ ચેટરજીને બેસ્ટ ડાયરેક્ટરનો અને શબાનાને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ કેમ મળ્યા હશે. આ ગાયન યુ ટયુબ પર ઉપલબ્ધ છે અને ક્યારેક જો જો. તેમાં જે કુદરતી લીલોતરી છે એ જોતાં લાગે કે એ બંગાળના કોઇ ગામડામાં શૂટ થયું હશે. પણ રસપ્રદ વાત એ છે કે આજે કોંક્રિટ જંગલ કહેવાતા મુંબઈના એક પરા દહીસરનાં એ દ્દશ્યો છે, સોચો ઠાકુર (ગ્લોબલ વોર્િંમગ કે બારે મેં)!