Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ઉત્સવનો ઉજાસ
નવદુર્ગાની આરાધના કરવાનો આ નવ-નવ રાત્રિનો તહેવાર જનમાનસને એક નવા ઉત્સાહ અને અદભૂત શકિતનું જાણે કે ટોનિક પીવરાવે છે. દિવસ લાંબો અને રાત ટૂંકી પડવા માંડે છે. મા શકિતની પૂજા અર્ચના કરવાને લોક ટોળે વળે છે. આવા ઉત્સવો માનવ સમુદાયને એકઠા કરવાનું કામ કરે છે. ભાવનાઓનું એક આખું લેયર બંધાઇ જાય છે. વાતાવરણમાં પણ ઉત્સવો સાથે એક નવો બદલવા આપણે સેન્સ કરી શકીએ છીએ
02/10/2022 00:10 AM Send-Mail
હમણાં જ હજી ગયા મહિને આપણે ગણપતિ બાપ્પાને વિદાય કર્યા. મન પરથી અબીલ-ગુલાલની છાંટ ઊતરે ત્યાં જ રંગ અને રસની રમઝટ બોલાવતો નવરાત્રિનો ઉત્સવ આંગણે આવી પૂગ્યો છે. ખેલૈયાઓ પૂરા જોશથી રંગઢંગથી સજી ધજીને તૈયાર થઇ ગયા છે. ચણિયા-ચોળી, ધોતી-કેડિયામાં ટાંગેલા આભલાં ભરતગૂંથણના દોરાને બાજી પડયા છે. દાંડિયાનો નાદ અને ઝાંઝરનો રણકાર કાનમાં ગુંજતો થઇ ગયો છે. ઢોલીડાનો ઢોલ ટીપવાનો થનગનાટ મારવા માંડયો છે. ગામ અને શહેર દિવસ કરતાં વધુ ચકચકિત રાતે ભાસે છે. અંધારાને મોડીરાત સુધી તડીપાર કરીને ગામ-ગામના ચોક-રસ્તા -ગલીઓને અજવાળાથી માંજીદીધા છે. ખાણીપીણીના ઠેલાવાળાને ઓવરટાઇમ કરવાનો છે. આખુંય શહેર અડધી રાત સુધી અજવાળાના દરિયામાં હિલ્લોળાતું રહેશે.

નવદુર્ગાની આરાધના કરવાનો આ નવ-નવ રાત્રિનો તહેવાર જનમાનસને એક નવા ઉત્સાહ અને અદભૂત શકિતનું જાણે કે ટોનિક પીવરાવે છે. દિવસ લાંબો અને રાત ટૂંકી પડવા માંડે છે. મા શકિતની પૂજા અર્ચના કરવાને લોક ટોળે વળે છે. આવા ઉત્સવો માનવ સમુદાયને એકઠા કરવાનું કામ કરે છે. ભાવનાઓનું એક આખું લેયર બંધાઇ જાય છે. વાતાવરણમાં પણ ઉત્સવો સાથે એક નવો બદલવા આપણે સેન્સ કરી શકીએ છીએ. ઉત્સવ શબ્દ સંસ્કૃત ભાષાના 'ઉત' અને 'સવ' પરથી બનેલો છે. 'ઉત' એટલે દૂર કરવું અને 'સવ' એટલે દુન્યવી દુ:ખો, ઉત્સવ પાછળનું આધ્યાત્મિક ગણિત આ રીતે દુન્યવી ચિંતા, ઉપાધિ, પીડાને દૂર કરવાનું છે. સંસારમાં જીવતરની વાર્તામાં લખાયેલ સુખ-દુખની સાંકળમાં બંધાયેલ જીવ ઉધામા કર્યા કરે છે. એને થોડા થોડા સમયે એક નવું ઇજન આપતા રહેવા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. સમયાંતરે આવતા ઉત્સવો જીવની જિજીવિષાને પોષવાનું કામ કરે છે.

ભારતીય પરંપરામાં ઉજવાતા મોટાભાગના ઉત્સવો કોઇને કોઇ રીતે ધર્મ સાથે જોડાયેલા છે. કર્મ કરતાં કરતાં વચ્ચે વચ્ચે આ ધર્મની સુવાસ શ્વાસમાં સંઘરતા રહેવા ઉત્સવો આપણને મદદ કરે છે. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિમાં એક મોટો તફાવત એ છે કે આપણે ત્યાં દીવો પ્રગટાવીને ઉત્સવ ઊજવવામાં આવે છે જયારે પશ્ચિમમાં મીણબત્તીઓ ફૂંક મારીને ઠારીને ઉજવણી થાય છે. આપણા ઉત્સવો પ્રકાશના પક્ષમાં છે. અજવાસને પણ આપણે ત્યાં આધ્યાત્મિક રીતે મૂલવવામાં આવે છે. કોઇ ચોક્કસ તિથિ કે તહેવાર પર કરાતા વ્રત ઉપવાસમાં આંધળી શ્રદ્ઘા માત્ર નથી પરંતુ એક આખું વિજ્ઞાન એની પાછળ કામ કરે છે. આવા કેટલાક રીતરિવાજોને ધર્મ સાથે જોડીને વિશાળ જન સમુદાય સુધી એને સહજ બનાવવાનો હેતુ રહેલો છે. આપણે ત્યાં વ્રત છે તો પશ્ચિમમાં વાઇન છે. આપણે રુદ્રાક્ષને ધારણ કરીએ છીએ તો પશ્ચિમમાં દ્રાક્ષને, આપણે ઉત્સવને ભાવગીત કે કીર્તનોથી ગાઇએ છીએ તો પશ્ચિમમાં શોરબકોરની સંસ્કૃતિ છે. તેમ છતાં બધી વાતમાં એવું પણ નથી કે આપણે ત્યાં બધું શ્રેષ્ઠ છે અને પશ્ચિમમાં નહી. ધર્મ સાથે જોડાયેલા ઉત્સવો ત્યાં પણ છે. વિશ્વમાં કોઇપણ ખૂણે ઉજવાતા કોઇ પણ ઉત્સવ પાછળનો મુખ્ય ઉદ્દેશ જન સમુદાયને રોજિંદી ઘટમાળમાંથી બહાર લાવીને જીવનમાં એક ભાવનું ભાથું ભરવાની અણમોલ તક ઉભી કરી લેવાનો જ છે. કલ્પના તો કરી જુઓ કે આવા ઉત્સવો જો ન હોત તો આપનું જીવન કેવું શુષ્ક હોત ! લાઇફને લોંગ હોવાની સાથે સોંગમાં કન્વર્ટ કરતું સંવેદનાનું સોફટવેર એટલે જ ઉત્સવ. સમયાંતરે પરંપરાએ તમારે નામ લખેલ ટાઇમબાઉન્ડ ટહૂકો એટલે ઉત્સવ. મનને મસ્તીથી ભયુભાદર્યુ રાખતું મેઘધનુષ એટલે ઉત્સવ. ઉત્સવના સંદર્ભમાં રવિન્દ્રનાથ ટાગોરે એવું કહયું છે - યુ આર ઇનવાઇટેડ ટુ ધ ફેસ્ટીવલ ઓફ ધીસ વર્લ્ડ એન્ડ યોર લાઇફ ઇઝ બ્લેસ્ડ. આ દુનિયા આખી જ ઇશ્વરનો એક ઉત્સવ છે અને એમાં આપણું અસ્તિત્વ હોવું એ પણ ધન્યતા અનુભવવાનો વિષય છે. રોજ-રોજનો દિવસ ઇશ્વરે આપણને આપેલો એક નવો ઉત્સવ જ તો છે. જે તે દેશની જે તે સંસ્કૃતિ એના ઉત્સવોમાં જતન પામતી હોય છે. મોટાભાગે ઉત્સવોના ગીતો પેઢી દર પેઢી ગવાઇને સચવાતા હોય છે. આમ ઉત્સવની કવિતા અને એમાં જ કવિતાનો ઉત્સવ પણ નિર્વિકલ્પપણે સંકળાયેલો છે. ઉત્સવમાં સાહિત્ય સંગીત અને નૃત્ય એમ એક કરતાં વધુ કલાઓ એકમેકમાં ઓતપ્રોત થાય છે અને પછી જીવને ઝીણો કૈફ ચડે છે. નવરાત્રીની જ વાત કરીએ તો સ્થાપન થયેલો ગરબો એ ઝળહળતા અસ્તિત્વનું પ્રતિક છે. ગરબાની માટલીના છીદ્રોમાંથી બહાર આવતું દિવાનું અજવાળું પોતે જ પ્રકાશનું ગીત પ્રસરાવે છે ઘરમાં, સાવ નિ:શબ્દ ગીત. ગરબાના એક પ્રકાશપૂંજમાં રોપાતી આપણી આસ્થા એટલે જીવનનું સંગીત લય અને લચકમાં હિલ્લોળા લેતા શરીર સાથે હિલ્લોળાતું મન એક નવી ઊર્જાનું આહવાન કરે છે. આવી ઊર્જાથી આપણે વધુ પ્રાણવાન બનીએ છીએ અને આવી પ્રાણમયી ચેતના એ જ તો આનંદનું સ્વરૂપ છે. આવા જ આનંદમાં શ્વસતું આપણું અસ્તિત્વ એટલે જીવનોત્સવ. Secret Key જીવનનાં ઉંબરે પાંગરતી પરંપરાને હસ્તક ઊછરતું અજવાસનું ગીત એટલે ઉત્સવ. પ્રતિભાવ : joshinikhil2007@gmail.com