Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
પેટલાદમાં નાના છોકરાના ઝઘડામાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી : ૬ને ઈજા
02/10/2022 00:10 AM Send-Mail
પેટલાદ શહેરની ગુજરાત હાઉસીંગ સોસાયટીમાં ગઈકાલે રાત્રીના સુમારે મિલાદ પઢવા ગયેલા બાળકો વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં કૌટુંબિક પરિવારો વચ્ચે મારામારી થતાં છને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મકસુદાબેન સલીમભાઈ વ્હોરાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમની પુત્રીની પુત્રી ફાતીમા (ઉ. વ. ૭) અને કૌટુંબિક મકસુદાબેનની પુત્રી માહી વચ્ચે ઝઘડો થયો હતો. જે બાબતે રેશ્માબેન મહંમદભાઈ વ્હોરા, અસમાબેન સાજીદભાઈ વ્હોરા, મહંમદ અબ્દુલભાઈ વ્હોરા અને સાજીદભાઈ બાબુભાઈ વ્હોરાએ ઝઘડો કરીને લોખંડની પાઈપથી મકસુદાબેન તેમજ તેમના પતિ સલીમભાઈને માર માર્યો હતો. જેમાં સલીમભાઈને જમણા હાથે ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ. ત્યારબાદ લાકડાના ડંડાથી તેમજ ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સામા પક્ષે અસમાબેન સાજીદભાઈ વ્હોરાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેમની પુત્રી માહી ગઈકાલે રાત્રીના અગિયાર વાગ્યાના સુમારે મિલાદ પઢીને રડતા રડતા ઘરે આવી હતી. થોડીવારમાં મામી મકસુદાબેન સલીમભાઈ વ્હોરા, હીનાબેન સલીમભાઈ વ્હોરા, ખુશ્બુબેન સલીમભાઈ વ્હોરા તેમજ માહિર સલીમભાઈ વ્હોરા આવી પહોંચ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને માહિરે લોખંડની પાઈપનો ફટકો અસમાબેનને બોચીના ભાગે મારી દીધો હતો. સલીમભાઈ વચ્ચે પડતા તેમને જમણા હાથે માહિરે ચાકુ મારી દીધુ હતુ. પુત્રી માહી વચ્ચે પડતા તેણીને પણ ચાકુ મારીને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.