Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
આણંદમાં પ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ સગર્ભા પત્નીને કાઢી મૂકી
૩ મહિના અગાઉ આવ્યો હોવાથી ગર્ભમાં મારું બાળક ન હોવાનો પતિનો આક્ષેપ, અભયમ ટીમે ટિકીટ ચકાસતા પ મહિના પહેલા આવ્યાનું ખૂલ્યું
02/10/2022 00:10 AM Send-Mail
આણંદ જિલ્લામાં દામ્પત્ય જીવનમાં કડવી-મીઠી તકરારના નાના, મોટા પ્રસંગોના કિસ્સા સાંભળવા મળે છે. જેમાં કયારેક પતિ કે પત્નીના ચારિત્ર્ય પર શંકા સેવીને મારઝૂડ કે છૂટાછેડા સુધી વાત પહોંચી જતી હોય છે. આવી જ ઘટના આણંદની પરિણીતા સાથે બનવા પામી છે. જેમાં પાંચ માસ અગાઉ વિદેશથી આવેલા પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને ઘર બહાર કાઢી મૂકી હતી. જો કે અભયમની ટીમને જાણ કરતા સ્થળ પર પહોંચેલ ટીમે પતિના ભારત પરત આવ્યાની ટિકીટ સહિતની બાબતો તપાસી હતી અને કાયદાકીય રીતે સમાધાન કરાવ્યું હતું.

મળતી વિગતોમાં આણંદ ખાતે ચાર વર્ષની દિકરી સાથે રહેતી પરિણીતાના પતિ વિદેશ ગયા હતા. જયાં તેઓ દ્વારા નાણાં મોકલવામાં આવતા હતા. પરંતુ સાસરીમાં પરિણીતાને સાસુ, સસરા અને નણંદ ત્રાસ આપતા હોવાથી પરેશાન પરિણીતા કંટાળીને પુત્રી સાથે પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી.

પાંચેક માસ અગાઉ વિદેશથી પતિ પરત ફરતા પત્નીને સાસરીમાં બોલાવવામાં આવી હતી. દરમ્યાન તેણી ગર્ભવતિ બની હતી. જો કે પતિએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, આ બાળક મારું નથી. તારે અન્ય કોઇ સાથે સંબંધ છે તેમ કહીને ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતા પિયર પરત ફરી હતી. જયાંથી તેણીએ અભયમ ટીમને જાણ કરી હતી. અભયમ ટીમે પરિણીતાની સાસરીમાં જઇને પૂછપરછ કરતા પતિએ પોતે ત્રણ માસ પહેલા ભારત આવ્યો હોવાથી ચાર મહિનાના ગર્ભનું બાળક પોતાનું ન હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન અભયમ ટીમે પતિની ભારત આવ્યાની હવાઇ મુસાફરીની ટિકીટો ચકાસતા તે પાંચ મહિના પહેલા આવ્યાનું જાણવા મળ્યું હતું. જો કે પતિ પરિણીતાને પરત બોલાવવા તૈયાર થયો ન હતો. આથી અભયમ દ્ઘારા કાયદાકીય બાબતો સાથે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવ્યું હતું.