અદ્દભૂત : ચીનનો એક બાળક અંધારામાં પણ સ્પષ્ટ જોઇ શકે છે, ગિનીઝ બુકમાં નોંધાયું છે નામ
નોંગ નાનો હતો ત્યારે તેની આંખોનો રંગ આસમાની હતો પરંતુ અંધારું થતાં જ નિશાચર પ્રાણીની જેમ તેની આંખો ચમકતી હતી
અંધકારમાં કોઇપણ વસ્તુને સ્પષ્ટ રીતે નરી આંખે જોવી મુશ્કેલ છે. પરંતુ ચીનના ગામમાં રહેતો એક બાળક અંધારામાં પણ સ્પષ્ટ રીતે દરેક વસ્તુને જોઇ શકે છે. અંધારામાં નિશાચર પ્રાણીની જેમ તેની આંખો ચમકે છે. આ અસાધારણ બાબતના કારણે તેનું નામ ગિનીઝ બુકમાં નોંધાયું છે.
ચીનના ગ્વાઝી નામના ગામમાં રહેતા નોંગ યુહૂઇ જયારે નાનો હતો ત્યારે તેની આંખો આસમાની રંગની હતી. પરંતુ રાત્રિના સમયે તેની આંખો બિલાડીની જેમ ચમકતી હતી. આથી ગભરાયેલા માતાપિતા નોંગને ડોકટર પાસે લઇ ગયા હતા. ડોકટરે કહ્યું હતું કે, ઉંમર વધવાની સાથે નોંગની આંખો રંગ આપમેળે સામાન્ય થઇ જશે. જો કે ત્યારબાદ સમય વીતતો ગયો.
દરમ્યાન એક દિવસ નોંગે ફરિયાદ કરી કે તેને શાળામાં યોગ્ય રીતે જોવામાં તકલીફ પડે છે. આથી શિક્ષકે ટોર્ચ વડે નોંગની આંખોમાં તપાસ કરી તો તેની આંખો જાનવરની જેમ ચમકતી જોઇને શિક્ષક આશ્ચર્યમાં મૂકાયા હતા. ત્યારબાદ અંધારામાં નોંગની આંખોની ચકાસણી કરવામાં આવી હતી તેને તમામ ચીજવસ્તુઓ સ્પષ્ટ નજરે પડતી હોવાનું જણાવ્યું હતું. મતલબ કે દિવસના અજવાળાના બદલે અંધારામાં વધુ સ્પષ્ટ દેખાતું હોવાનું નોંગે જણાવ્યું હતું.
આ ઘટના બાદ નોંગની આંખોની ચકાસણી માટે આઇ સ્પેશ્યાલિસ્ટ ડોકટરોની ફૌજ આવી હતી. જેઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે, નોંગની આંખોની રચના એવી છે કે તે બંધ રૂમમાં, અંધારામાં વાંચી, લખી શકે છે, તમામ ચીજવસ્તુઓ સ્પષ્ટ જોઇ શકે છે.