Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
સ્વિટઝરલેન્ડ : દિવાલ અને છત વગરની અનોખી હોટલ, એક રાત્રિનું ભાડુ રૂ.રર,પ૦૦
મનોરંજનના સાધન તરીકે ટીવી સ્ક્રીનની પાછળ ઉભા રહીને હોટલનો બટલર દુનિયાભરના સમાચારો સંભળાવે છે
03/10/2022 00:10 AM Send-Mail
દુનિયાભરમાં લાખો હોટલો આવેલી છે. જેમાં ગ્રાહકોને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવા બદલ ભાડુ વસૂલવામાં આવે છે. અનેક હોટલોની બિલ્ડીંગ ગગનચુંબી અને આલિશાન હોય છે. પરંતુ દુનિયામાં એક અનોખી હોટલ પણ આવેલી છે. જેને ન તો કોઇ દિવાલ છે કે ન તો કોઇ છત. છતાંયે આ હોટલમાં એક રાત્રિનું ભાડુ રૂ.રરપ૦૦ વસૂલવામાં આવે છે.

સ્વિટઝરલેન્ડના ડેવિડ માઉન્ટેન પહાડની ટોચે આવેલ નુલ સ્ટ્રેન હોટલ દુનિયાભરની એકમાત્ર અનોખી હોટલ છે. અહીં છત, દિવાલ ન હોવા સાથે રીસેપ્શન પણ નથી. નવાઇની વાત એ છે કે જેના વગર વ્યક્તિ રોકાઇ ન શકે તે બાથરૂમની વ્યવસ્થા પણ આ હોટલમાં નથી. આ હોટલમાં સુવિધાના નામે ટાઇલ્સથી બનેલ ભોંયતળિયુ અને ફકત એક પલંગ છે. પલંગની બાજુમાં બે ટેબલ મૂકવામાં આવે છે. ઉપરાંત અહીં રોકાણ કરનારની સેવા માટે બાજુના કવાર્ટરમાં એક બટલર રહે છે. જે ખાણીપીણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે.

નવાઇની વાત એ પણ છે કે, આ હોટલમાં મનોરંજનની કોઇ સુવિધા નથી. આથી હોટલનો બટલર પોતે એક ટીવી સ્ક્રીનની પાછળ ઉભો રહીને દુનિયાભરના લેટેસ્ટ સમાચારો અને હવામાનની આગાહી કરી સંભળાવે છે. આ હોટલમાં ટોયલેટની સુવિધા નથી. આથી તેના માટે મુસાફરે પહાડની નીચે બનાવેલા જાહેર શૌચાલયનો ઉપયોગ કરવા જવું પડે છે. જોકે સુવિધા વગરની હોવા છતાંયે અનોખા પ્રકારની આ હોટલનું રાત્રિરોકાણ માટે રૂ.રરપ૦૦નું ભાડુ ચૂકવવા પણ સહેલાણીઓની તૈયારી હોય છે.