Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
દુનિયાના સૌથી નાના દેશ મોલોસિયાના રાષ્ટ્રપતિ ખુદ પર્યટકો માટે બને છે ગાઇડ
માત્ર ૩૩ લોકોની વસ્તી ધરાવતા દેશની મુલાકાતે આવનાર સહેલાણીઓને પાસપોર્ટ પર સ્ટેમ્પ અને કરન્સી એકસચેન્જ કરાવવી ફરજિયાત
03/10/2022 00:10 AM Send-Mail
અમેરિકાના નવાદા રાજયની નજીક આવેલા મોલોસિયાને દુનિયાના સૌથી નાના દેશ તરીકે ઓળખવામાં આવે છે. જનસંખ્યાની દૃષ્ટિએ પણ આ દેશ ખૂબ નાનો છે. અહીં મુલાકાતે આવનાર પર્યટકો માટે ખુદ રાષ્ટ્રપતિ ગાઇડ તરીકેની સેવા આપે છે.

મોલોસિયામાં કુલ ૩૩ લોકોની વસ્તી છે. જેમાં તેમના પાળતુ જાનવરો પણ સામેલ છે. જો કે ભારતમાં એવા અનેક પરિવારો છે જેમની વસ્તી મોલોસિયાની કુલ વસ્તી કરતા વધુ હોય છે! મોલોસિયાની સ્થાપના લગભગ ૪૦ વર્ષ અગાઉ થઇ હતી. જોકે મોટાભાગના દેશોએ મોલોસિયાને દેશ તરીકે અધિકારિક માન્યતા આપી નથી.

ર૬ મે,૧૯૭૭ના રોજ મોલોસિયા અલગ થયો હતો. ત્યારે કેવિન નામના વ્યકિતએ પોતાના મિત્ર જેમ્સ સ્પેલમેન સાથે મળીને આ દેશની સ્થાપના કરી હતી. જો કે થોડા સમય બાદ જેમ્સ આ જગ્યા છોડીને યૂરોપમાં સ્થાયી થઇ ગયો હતો. શરુઆતમાં દેશના રાષ્ટ્રપતિ બનનાર કેવિને સ્વયંને દેશનો તાનાશાહ જાહેર કરી દીધો હતો. તેમની પત્નીને દેશની પ્રથમ મહિલા તરીકેનો દરજજો પ્રાપ્ત છે. અહીં રહેનાર મોટાભાગના લોકો કેવિનના સગાસંબંધીઓ છે. જો કે આ દેશની પોતાની કાનૂન વ્યવસ્થા અને વાલોરા નામની કરન્સી પણ છે. આ દેશ વિશે જાણવા અને ફરવા માટે દર વર્ષ મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. જેઓને અન્ય દેશોની જેમ પોતાના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવાની સાથે બેંકથી કરન્સી પણ એકસચેન્જ કરાવવી પડે છે.