Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
પેવર બ્લોકની ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓ રમતા રમતા ભણેનો નવતર અભિગમ
વઘાસીની સિનિયર બેઝિક પ્રા.શાળામાં બ્લોકને એબીસીડી અને રમતોનો ઓપ અપાયો
ધો.૧થી ૩ના બાળકો પોતાના નામના પ્રથમ અંગ્રેજી અક્ષર અને સંખ્યાને ઓળખેનો આવકારદાયક પ્રયાસ : ચેસ, લુડો, લંગડી અને અમદાવાદ જેવી રમતોના ઓપમાં સફેદ-લાલ બ્લોકની ગોઠવણી
03/10/2022 00:10 AM Send-Mail
ભણતરની સાથે રમતોને પણ પ્રાધાન્યનું ધ્યેય : આચાર્ય
વઘાસી સિનિયર બેઝિક ખેતીશાળાના આચાર્ય સંજયભાઇ ડી.જોષીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં બાળકો શિક્ષણલક્ષી બને તે જરુરી હોવા સાથે આપણી દેશી રમતો તરફે પણ પ્રેરાય તો તેમની માનસિક-શારિરીક ક્ષમતા વધી શકે છે. આ બંને બાબતોને ધ્યાનમાં લઇને સરકારી ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ બ્લોકમાં સફેદ અને લાલ રંગ પસંદ કરવામાં આવ્યો છે. જેમાંથી એબીસીડી સહિત અંગ્રેજી અક્ષરો તૈયાર કરાયા છે. ધો.૧થી ૩ના બાળકોને તેમના નામના પ્રથમ અંગ્રેજી અક્ષર અને વન ટુ ટેન પૈકીની કોઇપણ સંખ્યા ઓળખવાનું કહેવામાં આવે છે. આ પ્રયોગ સફળ થઇ રહ્યો છે. આ ઉપરાંત વિશાળ બ્લોકમાં વિદ્યાર્થીઓ ચેસ, લુડો અને ઇંડુ તેમજ અમદાવાદ તરીકે ઓળખાતી રમતો પણ રમે છે. આ ઉપરાંત બાળકોમાં ખૂબ જાણીતી લંગડીની રમત માટે પણ બ્લોકને તે મુજબ ડીઝાઇનથી ગોઠવવામાં આવ્યા છે.

ગામ, સરકારી શાળાઓ સહિતના સ્થળોએ રોડ,રસ્તા, પેવર બ્લોક સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર, ગ્રામ પંચાયત દ્વારા ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે છે. જો કે ગ્રાન્ટમાંથી માળખાકીય સુવિધા ઉપલબ્ધ થાય છે. પરંતુ વઘાસીની શાળાના આચાર્ય દ્વારા બ્લોક માટેની ગ્રાન્ટના ઉપયોગ માટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેથી અવરજવર માટે બ્લોકની સુવિધા ઉપલબ્ધ થવા સાથે તેમાં અંગ્રેજીમાં એબીસીડી, વન ટુ ટેન, ચેસ, લુડો જેવી રમતોમાં ગોઠવણ કરાવી છે. જેથી રસ્તાનો રસ્તો અને વિદ્યાર્થીઓને ખુલ્લા વાતાવરણમાં અંગ્રેજી મૂળાક્ષરો શીખવા સાથે રમતગમતનો પણ લાભ મળી રહ્યો છે.

શાળા પ્રવેશોત્સવ ર૦રર-ર૩નો વઘાસીની સિનિયર બેઝિક ખેતીવાડી પ્રા.શાળાનો સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જિ.પ્રા.શિક્ષણાધિકારી નિવેદિતાબેન ચૌધરી, જિ.વિ.અધિકારી મિલિન્દ બાપના સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતા દ્વારા રૂ.૧.૪૦ લાખના ખર્ચ શાળાને સ્માર્ટ કલાસની સુવિધા આપવામાં આવી હતી. તે સમયે શાળામાં પ્રવેશ માટેના માર્ગ પર બ્લોક બેસાડવા માટે ગ્રાન્ટ ફાળવણીની ડીડીઓએ તલાટીને સૂચન કર્યુ હતું.

જેથી ગ્રામ પંચાયત દ્વારા ૧૧મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી શાળાને પ્રવેશદ્વારથી પ્રવેશના સ્થળ સુધી બ્લોકની કામગીરી રૂ.૩.પ૦ લાખનું કામ મંજૂર કર્યુ હતું. ધો.૧થી ૮ની આ શાળામાં ૩૮૬ વિદ્યાર્થીઓ અને આચાર્ય સહિત ૧૧ શિક્ષકો છે. પેવર બ્લોકની કામગીરીના આરંભ સમયે શાળાના આચાર્ય સંજયભાઇ ડી.જોષીએ ધો.૧ના બાળકોને મૌખિક રીતે અંગ્રેજી શીખવી શકાય, રીસેસ સહિતના સમયમાં બાળકો ખુલ્લા વાતાવરણમાં રમતો રમી શકે તે માટે લાલ અને સફેદ બ્લોકને ડીઝાઇનરૂપે લગાવવાનું સૂચન કર્યુ હતું. નોંધનીય છે કે, બ્લોક ફીટીંગ કરનાર કારીગરો નિરક્ષર હતા. પરંતુ તેમના બાળકો આ જ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આથી આચાર્યની સૂચના મુજબ શાળામાં બ્લોકનું લગભગ ૪પથી ૪૭ બ્રાસની કામગીરી અઢી માસમાં પૂર્ણ થઇ હતી. શાળાની મુલાકાતે આવનાર સૌકોઇ એબીસીડી, વેલકમ ટુ વઘાસી અને થેન્કસ અંગ્રેજી વાકયોરુપે ગોઠવાયેલ બ્લોક નિહાળીને આશ્ચર્ય સાથે બાળકોને શીખવવાની નવી પદ્વતિના વખાણ કરી રહ્યા છે.