Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
ગાંધી જયંતિએ ખીલી ખાદી : આણંદના ખાદી ભંડારમાં ૧.૪૦ લાખ ઉપરાંતનું વેચાણ
-પરપ્રાંતની ખાદી રૂ.૯૮ હજાર, ગુજરાતની ૩૮ હજાર અને ૬ હજારના સાબુ-અગરબત્તીનું વેચાણ -ગત વર્ષ ર ઓકટો. ચાલુ દિવસ હોવાથી ૧.૬૧ લાખના વેચાણ સામે આ વર્ષ રવિવારની રજા, નવરાત્રિનો થાક છતાંયે સારું વેચાણ
03/10/2022 00:10 AM Send-Mail
મહાત્મા ગાંધીજી સાથે ખાદીનો અનન્ય નાતો જગજાણીતો છે. આથી જ દર વર્ષ રજી ઓકટોબરે ગાંધી જયંતિની ઉજવણીની સાથોસાથ ખાદીની ખરીદીને પ્રોત્સાહન મળી રહે તે માટે ખાસ પ્રયાસ કરવામાં આવે છે. જો કે ઓગસ્ટ માસમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌથી વધુ ત્રિરંગાની ખાદી ભંડારોમાંથી ખરીદી થયાનું જોવા મળ્યું હતું.

આણંદમાં નગરપાલિકા નજીક આવેલા આણંદ તાલુકા સહકારી ખાદી ભંડારમાં આજે ગાંધી જયંતિ નિમિત્તે ખાદીપ્રેમીઓ ખરીદી માટે ઉમટયા હતા. સાંજે ૭ કલાક સુધીમાં કુલ ૧.૪૦ લાખનું કાપડ, ગ્રામોદ્યોગની વસ્તુઓનું વેચાણ થયું હતું. ખાદી ભંડારના પ્રમુખ લાલસિંહ વડોદીયા અને મંત્રી પ્રમોદભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષ ર ઓકટો.ના રોજ ચાલુ દિવસ હોવાથી કુલ ૧.૬૧ લાખ ઉપરાંતનું વેચાણ થયું હતું. જેમાં પરપ્રાંત ખાદી રૂ. ૧.૪ર લાખ, ગુજરાતની ખાદી આશરે ૯ હજાર અને ગ્રામોદ્યોગ ચીજવસ્તુઓનું ૧૧ હજારની આસપાસ વેચાણ થયું હતું. તેની સરખામણીએ આ વર્ષ આજે રવિવારની રજા અને નવરાત્રિનો થાક છતાંયે ૧.૪૦ લાખ ઉપરાંતનું સારું વેચાણ નોંધાયું છે.

ખાદી ભંડારના મેનેજર રાજેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે પરપ્રાંતની ખાદી ૯૮ હજાર, ગુજરાતની ૩૮ હજાર અને ગ્રામોદ્યોગના રૂમાલ, અગરબત્તી, પોતા વગેરે મળીને આશરે ૬ હજારનું વેચાણ થયું હતું.૩૧ ઓકટો. સુધી તમામ પ્રકારની ખાદી પર ર૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવનાર છે. આજના વેચાણમાં ખાસ કરીને તૈયાર વસ્ત્રોના બદલે કાપડની સોથી વધુ ખરીદી યુવાઓએ કરી હતી.