Sardar Gurjari

શુક્રવાર, તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૨, માગશર વદ ૧, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૧૭૨

મુખ્ય સમાચાર :
જીટોડિયા : તિલક બંગલોમાં રહેતો પરિવાર અલારસા ગરબા જોવા ગયો ને' તસ્કરોએ ખાતર પાડયું, ૧.૯૬ લાખની મત્તા ચોરી
બંધ મકાનનો પાછળનો દરવાજો તોડીને સોના-ચાંદીના દાગીના અને ૬૦ હજાર રોકડા ચોરી ગયા
03/10/2022 00:10 AM Send-Mail
આણંદ શહેર,જિલ્લામાં હાલ નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં સૌ વ્યસ્ત હોવાનો ગેરલાભ ઉઠાવીને તસ્કરો દ્વારા થતી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં વધુ એક બનાવ જીટોડિયાના તિલક બંગલોમાં નોંધાયો છે. જેમાં ઘર બંધ કરીને પરિવાર અલારસા ગરબા જોવા ગયો હતો. આ તકનો લાભ ઉઠાવીને દરવાજો તોડીને તસ્કરોએ સોના,ચાંદીના દાગીના અને રોકડા રૂ.૬૦ હજાર મળીને ૧.૯૬ લાખની ચોરી કર્યાની ઘટના રૂરલ પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી વિગતોમાં જીટોડિયાના કોર્ટ રોડ વિસ્તારમાં આવેલ ર-તિલક બંગ્લોઝમાં પરિવાર સાથે રહેતા મૂળ બોરસદ તાલુકાના અલારસાના મિતુલભાઇ પંચાલ નંદેસરી જીઆઇડીસીમાં દિપક નાઇટ્રાઇટ કંપનીમાં કેમિસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમના પત્ની મયુરીબેન આણંદની શાળામાં શિિક્ષકા છે.

હાલ નવરાત્રિ ચાલતી હોવાથી ગત રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે મિતુલભાઇ પત્ની, બે બાળકો સાથે ઘરને તાળુ મારીને અલારસા ગરબા જોવા ગયા હતા. જેઓ આજે વહેલી સવારે ઘરે પરત આવીને મુખ્ય દરવાજાનું તાળુ ખોલીને અંદર પ્રવેશતા સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. આથી ઘરમાં ચોરી થયાનો અંદેશો આવી ગયો હતો. મિતુલભાઇએ તપાસ કરતા ઘરના પાછળના ભાગના લોખંડના દરવાજાનું તાળું તોડીને, લાકડાના દરવાજાની સ્ટોપર,નકુચો તોડીને તસ્કરો પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઘરમાં તિજોરી અને કબાટના તાળા તોડીને ખાનાઓમાંથી સોના,ચાંદીના દાગીના અને રોકડાની ચોરી કરી હતી. ઘટના અંગે મિતુલભાઇએ રુરલ પોલીસમાં ફીરયાદ નોંધાવી હતી. જેમાં સોનાનો હાર, બુટ્ટી નંગ ૩, વીંટી-૮, પેન્ડલ-૩, ચાંદીના સિકકા-૧૯, સોનાની ચુની-૧પ અને રોકડા રૂ. ૬૦ હજાર મળીને ૧,૯૬,પ૦૦ની તસ્કરોએ ચોરી કર્યાનું જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.