કણજરીમાં મતદાન બાદ રાજ દરબારો અને પટેલો વચ્ચે મારામારી થતાં વાતાવરણ તંગ
મતદાન વખતે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ મામલો શાંત થઈ ગયો હતો પરંતુ મતદાન બાદ બન્ને કોમના ટોળા સામસામે આવી જતા ડીએસપી સહિતના અધિકારીઓ દોડ્યા
નડિયાદ તાલુકાના કણજરીમાં આજે મતદાન પ્રક્રિયા ચાલુ હતી ત્યારે બપોરના સમયે કોઈ મુદ્દે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક જરી હતી. બાદમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ દરબારો અને પટેલ જ્ઞાતિના લોકો આમને સામને આવી ગયા હતા. જેના પગલે તંગદીલીભર્યુ વાતાવરણ થઈ જવા પામ્યું હતુ. આ બનાવની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી જઈ સ્થિતિને કાબૂમાં લઈને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના કણજરીમાં આજે બપોરે મતદાનની પ્રક્રિયા ચાલતી હતી તે વખતે કેટલાક લોકો વચ્ચે કોઈ મુદ્દાને લઈ તું...તું... મેં...મેં... થઈ હતી. જોકે પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડી દીધો હતો પરંતુ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ દરબારો વગેરે જ્ઞાતિના લોકોએ ભેગા થઈને પટેલ જ્ઞાતિના લોકો સાથે બપોરની બોલાચાલી મુદ્દે ઝઘડો કર્યો હતો અને મારામારી કરતાં નાસ ભાગ મચી હતી. જેના કારણે કણજરીમાં વાતાવરણ તંગ થઈ જવા પામ્યું હતુ. બનાવની જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક પણ મામલાની ગંભીરતાને લઈ બનાવ સ્થળે પહોંચી જઈ હાલમાં મામલો કાબૂમાં લીધો છે આ લખાય છે ત્યારે પોલીસ ગામમાં પેટ્રોલીંગમાં લાગી છે હજુ સુધી પોલીસમાં આ બાબતે કોઈ નોંધ થઈ નથી.