આણંદ: બંધ મકાનના નકુચા તોડીને તસ્કરો ૧.૬૨ લાખની મત્તા ચોરી ફરાર
બેંક કેશિયર ધીરજભાઈ સાંખલા વિધાનસભાની ચૂંટણીમાં બોરસદના પોલિંગ ઓફિસર તરીકેની ફરજમાં મકાનને તાળુ મારીને ગયા અને તસ્કરોએ કરેલો હાથફેરો
મોઢે રૂમાલ બાંધેલા ત્રણ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ
વિદ્યાનગરની બેંક ઓફ બરોડામાં કેશિયર તરીકે ફરજ બજાવતા ધીરજભાઈ સાંખલાના ઘરમાં થયેલી ૧.૬૨ લાખની મત્તાની ચોરી સંદર્ભે પોલીસે સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કર્યા હતા.જેમાં ત્રણ શખ્સો મોઢે રૂમાલ બાંધેલા કેદ થઈ જવા પામ્યા હતા. મજબુત બાંધાના મધ્યમ ઉંચાઈ ધરાવતા આ શખ્સો ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરના હતા. પોલીસે આ ફુટેજ કબ્જે લઈને તેઓની શોધખોળ હાથ ધરી છે.
આણંદ શહેરના ગણેશ ચોકડી પાસે આવેલી કૈલાશનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બેંક કેશિયરના બંધ ઘરના લોખંડના દરવાજાનો નકુચો તોડીને અંદર ઘુસેલા તસ્કરો ૧.૬૨ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ શહેર પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ તેમજ એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી ધીરજભાઈ જગદીશપ્રસાદ સાંખલા વિદ્યાનગર ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં કેશિયર તરીકે ફરજ બજાવે છે અને ગણેશ ચોકડી પાસે આવેલા કૈલાશનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે.
ગત ૪થી તારીખના રોજ તેમના પત્ની પિયર ગયા હતા જયારે ધીરજભાઈ વિધાનસભાની ચૂંટણીને લઈને પોલિંગ ઓફિસરની ફરજમાં તેઓ ૪થી તારીખના રોજ સવારના સુમારે મકાનને તાળુ મારીને બોરસદ ગયા હતા.
દરમ્યાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને તેમના બંધ મકાનના લોખંડના દરવાજાનો નકુચો તોડી નાંખીને અંદર પ્રવેશ કરી રસોડામાં આવેલા મંદિરમાંથી ચાંદીના વાસણો, મુર્તિઓ, પાદુકા, તલવાર, ગાય મળીને કુલ ૧૧ કિલો અને ૫૦૦ ગ્રામ ચાંદી, સ્ટોરરૂમમાંથી લેપટોપ, માઉસ, એડોપ્ટર, ઘડિયાળો, ચાર્જર, બુટ તથા રોકડા ૭૫ હજાર મળીને કુલ ૧.૬૨ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
સવારે ઘટનાની જાણ પડોશીએ ધીરજભાઈને મોબાઈલ ફોન કરીને કરતા જ તેઓ ચૂંટણીની ફરજ પુરી થયા બાદ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા લોખંડના દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં હતો અને મકાનનો બધો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. જેથી પોલીસને જાણ કરતાં પોલીસ આવી પહોંચી હતી અને તેમની ફરિયાદ લઈને ગુનો દાખલ કર્યો હતો.