મહેળાવના ભૂતપીપળી વિસ્તારમાં પાઈપ લાઈનમાં પંક્ચરથી ડહોળું પાણી મળતું હોવાની રાવ
પાઇપ લાઇનના પંકચરમાં વિલંબના કારણે માર્ગ પર કાદવના કારણે અવરજવરમાં મુશ્કેલીની સ્થાનિકોની ફરિયાદ
સ્થાનિકોના અંદરોઅંદરના ઝઘડાના કારણે સમારકામ માટે ગયેલ ટીમ પાછી આવે છે : સરપંચ
મહેળાવ ગામના સરપંચ સરદારસિંહ વાઘેલાએ આ અંગે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતને મળેલ લેખિત રજૂઆતની ફાઈલ થાય છે. આ ફાઈલમાં ભૂતપીપળી વિસ્તારની રજૂઆત મળી નથી. તેમ છતાં સ્થાનિકોની મૌખિક રજૂઆતના પગલે સમારકામ માટે માણસોને પંચાયત દ્વારા મોકલવામાં આવે છે. પરંતુ ત્યારે સ્થાનિકોે અંદરો અંદર ઝઘડતા હોઈ માણસો પાછા આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, આ પાઈપ લાઈન નાખવાના કામ સમયે પણ વિવાદ થયો હતો. ગ્રામ પંચાયતે સ્થાનિકોને વાટા મારવા માટે જરૂરી માલસામાન તેમજ મજૂરીકામના પૈસા આપવાનું પણ કહ્યું છે પરંતુ સ્થાનિકો વાટા મારતા નથી.
મહેળાવના ભૂતપીપળી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં પડેલ પંક્ચરનું સમારકામ કરવામાં વિલંબ થયો હોવાથી પીવાનું પાણી ડહોળું મળતું હોવાની સ્થાનિકોમાં ફરિયાદ થવા પામી છે.
પેટલાદ તાલુકાના મહેળાવ ગામના ભૂતપીપળી સીમ વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં પંકચર પડયું હતું. સ્થાનિકોના જણાવ્યાનુસાર ગ્રામ પંચાયત દ્વારા પાઇપલાઇનના સમારકામ કરવામાં વિલંબ થયો હોઈ પીવાનું પાણી ડહોળુ મળી રહ્યું છે. પાણી લીકેજ થઇને રોડ પર ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં પરેશાની ભોગવવી પડી રહી છે.
સ્થાનિકોના જણાવ્યાનુસાર આ વિસ્તારમાં સુરેશભાઈ દેસાઈભાઈનાં ઘર પાસે, અવનીતભાઈ પુંજાભાઈના ઘરપાસે, ભાથીજી મંદિર ભૂતપીપળી તથા ભૂતપીપળીથી મહેળાવ રોડ પર ધમાભાઈ બાબુભાઈના ખેતર પાસે પાણીની પાઈપ લાઈનમાં પંકચર પડયા છે. જેના સમારકામ કરવામાં માટે ગ્રામ પંચાયત રજૂઆત કરવા છતાં પંક્ચરનું સમારકામ કરવામાં વિલંબ થયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.