લીંબાસીમાં અગાઉના ઝઘડાની અદાવતમાં સોલંકીના બે જૂથો વચ્ચે ધીંગાણું : ૯ ઘાયલ, ૧ ગંભીર
માતર તાલુકાના લીંબાસી ગામના ભાથીજી મંદિરવાળા ચોકમાં અગાઉના ઝઘડાની રીસને લઈને સોલંકીના બે જૂથો વચ્ચે હિંસક મારામારી થવા પામી હતી જેમાં નવને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. જેમાં એકની હાલત ગંભીર થઈ જતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે લીંબાસી પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને કુલ ૧૭ વ્યક્તિઓ વિરૂધ્ધ રાયોટીંગના ગુનોઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પંકજભાઈ વિનુભાઈ સોલંકીએ આપેલી ફરિયાદમા જણાવ્યું છે કે, ગતરોજ આશરે ૮ વાગ્યાના સુમારે તેઓ જમી પરવારી લીંબાસી ભાથીજી મંદિરવાળા ચોકમાં નવઘણભાઈ રતિલાલ સોલંકીની કરિયાણાની દુકાન સામે આવેલા બાકડા ઉપર તેમના પિતા વિનુભાઈ ઈશ્વરભાઈ સોલંકી સાથે બેઠા હતા. ત્યાં પંકજભાઈના મિત્રો સુરેશભાઈ કાળીદાસ સોલંકી તથા કિશનભાઈ ગોવિંદભાઈ પરમાર પણ બેઠા હતા. આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં બાજુના ફળિયામાં આવેલ ઉંડા ફળિયામાં રહેતા મહેશભાઈ જેસંગભાઈ સોલંકી, શનાભાઈ ભાનુભાઈ સોલંકી, ભાવેશભાઈ કરશનભાઈ સોલંકી, અમરસિંહ ગોરધનભાઈ સોલંકી, હિતેશભાઈ પ્રતાપભાઈ સોલંકી, સાહિલભાઈ દીપકભાઈ સોલંકી, ભગાભાઈ વીરચંદભાઈ સોલંકી અને જગદીશભાઈ ભાનુભાઈ સોલંકી પંકજભાઈ પાસે આવ્યા હતા અને અગાઉના થયેલ ઝઘડાની અદાવત રાખી પંકજભાઈ તથા તેમના મિત્ર અને તેમના પિતાને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. અપશબ્દો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો અને આક્રોશમાં આવેલા હૂમલાખોરોએ એકસંપ થઈ લાકડી, ધારીયા લઈ આવી પંકજભાઈ તથા તેમના પિતા અને મિત્રો પર હૂમલો કરી દીધો હતો. આ બનાવમાં ૪ લોકો ઘાયલ થતા તેઓને તુરંત સારવાર અર્થ નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા વિનુભાઈ સોલંકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા.
સામા પક્ષે મહેશભાઈ જેસંગભાઈ સોલંકીએ આપેલી ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ આ સમયગાળા દરમ્યાન ગામની ખડકી ફળિયામાં હિતેશભાઈના ગલ્લા પાસે પોતાના કૌટુંબિક લોકો સાથે બેઠા હતા. ત્યારે તેમના બાકડા પર ગામના પ્રવિણ ઉર્ફે રોબોટ દશરથભાઈ સોલંકી બેઠા હતા અને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા. જેથી મહેશભાઈએ અને તેમના કુટુંબીજનોએ ગાળો ન બોલવા જણાવતા આ વ્યક્તિ બોલતો બોલતો તેના ઘર તરફ ગયેલો અને ઘરે જઈ તેના હાથમાંનું ધારીયું લઈ અને તેની સાથે ઉપરાણું લઈ આવેલા બીજા લોકો દશરથભાઈ ખોડાભાઈ સોલંકી, રણજીતભાઈ સુરસંગભાઈ સોલંકી, કાળીદાસભાઈ પસાભાઈ સોલંકી, વિનુભાઈ ઈશ્વરભાઈ સોલંકી તમામ લોકો એકસંપ થઈ આવી લાકડી તથા મારક હથિયારો લઈ આવી ગેરકાયદેસર મંડળી રચી અમને માર મારવા લાગ્યા હતા. જેમાં ૫ને ઈજાઓ થવા પામી હતી. જેઓને સારવાર અર્થ દવાખાને ખસેડવામાં આવ્યા હતા.