બાંધણી સીમમાં બે બાઈકો ભટકાતા એકનું મોત, એક ઘાયલ
પેટલાદનો ઈમરાનભાઈ શેખ બાઈક લઈને રાવલી લગ્નમાં જતો હતો ત્યારે સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટ્યો
પેટલાદ તાલુકાના બાંધણી ગામની સીમમાં ગઈકાલે સાંજના સુમારે બે બાઈકો ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. જ્યારે એકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે મહેળાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પેટલાદ ખાતે રહેતો ઈમરાનભાઈ શેખ ગઈકાલે સાંજના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, ડીઈ-૧૦૬૦નું લઈને રાવલી ગામે યોજાયેલા એક લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે જવા નીકળ્યો હતો.
રાત્રીના ૭.૫૦ કલાકે બાંધણી ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈક નંબર જીજે-૨૩, ડીઈ-૯૦૦૧એ ટક્કર મારતાં બન્ને રોડ ઉપર ફંગોળાયા હતા. જેમાં ઈમરાનને માથાના ભાગે તેમજ ટક્કર મારનાર બાઈકના ચાલકને મોઢાના ભાગે ઈજાઓ થવા પામી હતી.
બન્નેને સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મોડીરાત્રે ઈમરાનનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે આશીફુદ્દીન શેખની ફરિયાદને આધારે પોલીસે ટક્કર મારનાર બાઈકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.