વઘાસી પાસે હીટ એન્ડ રન : ખેત મજુર મહિલાને કારે ટક્કર મારતાં સ્થળ પર જ મોત
ખેત મજુરી કરીને પરત ઘરે જવા મહિલા રોડ ક્રોસ કરતા હતા ત્યારે કારે ટક્કર મારતાં સર્જાયેલો અકસ્માત
નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા વઘાસી ગામ પાસે આજે સાંજના સુમારે બનેલી એક હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત થયું હતુ. પુરપાટ ઝડપે જતી કાર રોડ ક્રોસ કરતી મહિલાને ટક્કર મારીને ફરાર થઈ જતા આ અંગે આણંદ રૂરલ પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર વઘાસી ગામના આઝાદ ચોક ખાતે રહેતા વિમળાબેન ધનાભાઈ પરમાર (ઉ. વ. ૫૦)ખેત મજુરીએ ગયા હતા અને ત્યાંથી સાંજના સુમારે પરત ઘર તરફ આવી રહ્યા હતા. દરમ્યાન સવા છ વાગ્યાના સુમારે વઘાસી ગામના હાઈવે પર રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી સફેદ કવરની કાર નંબર જીજે-૨૩, સીબી-૫૨૯૪એ ટક્કર મારતાં વિમેળાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસ અને ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી પહોંચ્યા હતા અને વિમળાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત કારનો ચાલક ત્યાંથી પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે લાલજીભાઈ પરમારે આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કારના નંબરના આધારે તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.