આણંદ જિલ્લામાં ભાજપની મતબેંકમાં ૭.૮૮ ટકાનો જંગી વધારો
૨૦૧૭મા ભાજપને ૪૩.૯ ટકા, જ્યારે કોંગ્રેસને ૪૯.૩ ટકા મતો મળ્યા હતા : આપને ફક્ત ૧.૯૨ ટકા મતો મળ્યા : ૨૦૨૨માં ભાજપને ૫૧.૭૮ ટકા જ્યારે કોંગ્રેસને ૪૧.૫ ટકા જ મતો મળ્યા
આણંદ જિલ્લાની તમામે તમામ સાત વિધાનસભા બેઠકોમાં મતોની ટકાવારી જોઈએ તો ગત વિધાનસભા કરતા આ વખતે ૭.૮૮ ટકા મતો ભાજપને વધુ મળ્યા છે. એટલે હવે ભાજપે શહેરી ઉપરાંત કોંગ્રેસની ગઢ ગણાતી ગ્રામ્ય મતદાર બેંક ઉપર મોટી તરાપ મારી છે. ગત વિધાનસભામાં ૬.૮ ટકા મતો અપક્ષ અને અન્ય પક્ષોએ મેળવ્યા હતા.
જ્યારે ૨૦૨૨ની ચૂંટણીમાં ૬.૭૨ ટકા મતો અપક્ષ અને અન્ય પક્ષોએ મેળવ્યા છે. કોંગ્રેસના ગઢ ગણાતી બોરસદ બેઠક પર કોંગ્રેસે ગત ચૂંટણીમાં ૭ ટકા મતો ભાજપ કરતા વધુ મેળવ્યા હતા.
જ્યારે આ વખતે ભાજપે કોંગ્રેસ કરતા ૬.૨૫ ટકા વધુ મતો મેળવ્યા છે. કોગ્રેસના ગઢ ગણાતી આંકલાવ બેઠક પર ગત વખતે કોંગ્રેસે ૨૧.૯૪ ટકા મતો ભાજપથી વધુ મેળવ્યા હતા. જ્યારે આ વખતે તે સરસાઈ ફક્ત ૧.૬૬ ટકાએ અટકી જવા પામી છે.