ભારતની સૌથી મોંઘી ટ્રેન, ટિકિટની કિંમત છે રૂ.૧૯ લાખ
મહારાજા એકસપ્રેસ ટ્રેન ૪ અલગ-અલગ રૂટ પર ૭ દિવસની કરાવે છે મુસાફરી
ભારતમાં રેલ યાત્રાનો આનંદ લગભગ દરેક વ્યકિતએ લીધો હશે. શહેરો, હરિયાળા વૃક્ષો વચ્ચેથી પસાર થતા ટ્રેક પરની ટ્રેનની સફર ખરેખર આનંદદાયક અનુભવ કરાવનાર બની રહે છે. જો કે ટ્રેન અને ફલાઇટ મુસાફરીની તુલના કરવામાં આવે તો મોટાભાગના મુસાફરો ફલાઇટને જ પ્રાધાન્ય આપે. કારણ કે સમયની બચત સાથે સુવિધાઓ પણ ફલાઇટમાં વધુ હોય છે. આ ઉપરાંત ટ્રેનમાં થતી ગંદકી, બેઠક વ્યવસ્થા સહિતના મામલે ફલાઇટમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે.
પરંતુ ભારતમાં હવે સૌથી મોંઘી ટ્રેન મહારાજા એકસપ્રેસ દોડી રહી છે. આ ટ્રેનની દેખરેખ આઇઆરસીટીસી દ્વારા કરવામાં આવે છે. મહારાજા એકસપ્રેસ એક લકઝરી ટ્રેન છે. તેમાં ઉપલબ્ધ સુવિધાઓ જોઇને મુસાફર કદાચ ફલાઇટની મુસાફરી ભૂલી જાય! સાથોસાથ ટ્રેનની લકઝરી સુવિધાઓ સામે ફાઇવસ્ટાર હોટલ પણ ઝાંખી પડે. આ ટ્રેનમાં મુસાફરોને બટલરની સુવિધા મળે છે.
મહારાજા એકસપ્રેસ ૪ અલગ અલગ રૂટ પર ૭ દિવસની મુસાફરી કરાવે છે. ધ ઇન્ડિયન પૈનરોમા, ટ્રેઝર્સ ઓફ ઇન્ડિયા, ધ ઇન્ડિયન સ્પેન્લન્ડર અને ધ હેરિટેજ ઓફ ઇન્ડિયા એ આ ટ્રેનના રૂટ છે. આ ટ્રેનનો વિડીયો બનાવીને વિડીયો ક્રિએટર કુશાગ્રે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. ટ્રેનની અંદરની સજાવટ અને લુક જોઇને આંખો પહોળી જ રહી જાય છે.
વિડીયોમાં વ્યકિત પ્રેસિડેન્શિયલ સ્યુટ બતાવતો જોવા મળે છે. જેને એક બટલર કાર્ડવાળી ચાવી વડે ખોલી રહ્યો છે. સ્યુટમાં અંદર પહેલા એક સીટીંગ રૂમ છે. જેમાં સોફા, ટેબલ, પડદા, લેમ્પ, ટેબલ વગેરે ગોઠવેલું છે. વોશરુમ પણ હોટલની જેમ ચમકતો જોવા મળે છે. જયારે બેડરુમમાં બે પથારી સહિતની સુવિધા છે. આ ટ્રેનમાં એક વ્યકિતની મુસાફરી માટે ટિકીટના રુ.૧૯ લાખ ખર્ચવા પડશે. જો કે ટ્રેનનો વિડીયોને લગભગ ૩૧ લાખથી વધુ વ્યુઝ મળ્યા છે. જેમાં લોકોએ અલગ અલગ કમેન્ટ લખી છે. એક વ્યકિતએ લખ્યું હતું કે, આટલા નાણાંમાં તો તે પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરશે. જયારે અન્ય યુઝર્સ જણાવ્યું હતું કે, કોઇ આ ટ્રેન મિસ કરી જાય તો તેને કેટલું નુકસાન પહોંચશે? જો કે એક તીખી પ્રતિક્રિયા એવી પણ હતી કે, આ ટ્રેનના બદલે જનરલ બોગીમાં ડબ્બાની સંખ્યા વધારવામાં આવે તો અનેક ગરીબ પરિવારોને મુસાફરી માટે આસાની રહેશે.