બરફના પહાડો પર પગપાળા ફરીને કલાકારે બનાવી જબરજસ્ત કલાકૃતિ
સ્નો આર્ટીસ્ટ સાયમન બેકની અનોખી કલાકારીનો વિડીયો વાયરલ, જોનારા અચંબિત
સોશિયલ મીડિયા ફકત એન્ટરટેન્મેન્ટનું માધ્યમ નથી રહયું પરંતુ એકથી એક અનોખી પ્રતિભાઓનો પરિચય કરવાનો મોકો પણ આપે છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં બરફના પહાડોમાં બનાવેલી કલાકૃતિઓ જોનારા સૌ અચંબિત બન્યા હતા. જેમાં એક આર્ટીસ્ટે બરફના પહાડોમાં પગપાળા ચાલીને એકથી એક બેનમૂન કલાકૃતિ તૈયાર કરી હતી. જો કે પ્રથમ નજરે વિશ્વાસ ન બેસે કે બરફમાં તૈયાર થયેલી કલાકૃતિ વાસ્તવમાં વ્યક્તિના પગલાના નિશાન છે.
સફેદ બરફમાં ઉપસેલી આકૃતિઓ પહેલી નજરે તો કેન્વાસ પર તૈયાર કરાયેલ ચિત્ર જ લાગે. પરંતુ નજીકથી વિડીયો જોતા આર્ટીસ્ટની પ્રતિભા અને ધૈર્ય જોવા મળે છે. સમગ્ર કલાકૃતિઓને ડ્રોન કેમેરા વડે કેપ્ચર કરવામાં આવી હતી. જોકે પગલાના નિશાન વડે મોટી કલાકૃતિ તૈયાર કરવા માટે આર્ટીસ્ટ કલાકો સુધી બરફમાં ચાલ્યા હતા.
બરફમાં મનોરમ્ય કલાકૃતિ તૈયાર કરનાર સ્નો આર્ટીસ્ટનું નામ છે સાયમન બેક, જે એક પ્રોફેશન બ્રિટીશ સ્નો આર્ટીસ્ટ છે. તેઓ દુનિયાના પ્રથમ સ્નો આર્ટીસ્ટ તરીકે ઓળખાય છે. રેતી અને બરફમાં મોહક ચિત્રો તૈયાર કરવા બદલ તેઓ જાણીતા બન્યા છે.