Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
ઉત્તરપ્રદેશ : કબાડીની ચીજોથી બનાવી ૬ સીટર ઇલેકટ્રીક બાઇક, ચાર્જીંગ બાદ ૧૫૦ કિ.મી.ની મુસાફરી
ફખરુદ્દીનપુર ગામના આઇઆઇટી પાસ ૧૯ વર્ષીય યુવાને ભંગારમાંથી ૧ર હજારનો સામાન ખરીદી તૈયાર કરી ઇ-બાઇક
02/01/2023 00:01 AM Send-Mail
ઉત્તરપ્રદેશના આઝમગઢના યુવકે પોતાની સૂઝબુઝથી ઇલેકટ્રોનિક બાઇક તૈયાર કરી છે. જેમાં એકસાથે છ વ્યક્તિઓ બેસી શકે છે. આ બાઇક એક વાર ચાર્જ કર્યા બાદ ૧૫૦ કિ.મી.ની મુસાફરી કરી શકે છે. દેશમાં પેટ્રોલ,ડીઝલના વાહનોની જગ્યાએ ઇલેકટ્રોનિક વાહનો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેનાથી પ્રદૂષણમાં ઘટાડા સાથે ઇંઘણનો મોટો ખર્ચ થતો અટકી શકે છે. આઝમગઢના લોહરા ફખરૂદ્દીનપુરના આઇઆઇટી પાસ ૧૯ વર્ષીય અબ્દુલ્લા અસદે માત્ર ૧ર હજારની ભંગારમાંથી ચીજવસ્તુઓ ખરીદીને છ સીટર ઇ-બાઇક તૈયાર કરી છે. આ વાત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરપર્સન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયામાં શેર કરી છે. ત્યારથી આ ઇ-બાઇક ચર્ચામાં રહી છે.

અબ્દુલ્લા અસદનું કહેવું છે કે તેને નાનપણથી જ પોતાની તરકીબથી શોધખોળનો શોખ હતો. આ અગાઉ તે પોતાની કેટીએમ બાઇકને ઇલેકટ્રીક બાઇકમાં બદલી ચૂકયો છે. અનેક નાના, મોટા રમકડાંઓને ઉપયોગી ચીજવસ્તુઓમાં બદલ્યા છે. ઇ-બાઇકનું રજીસ્ટ્રેશન અને પેટન્ટ ફોર્માલિટી પૂરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાનું જણાવતા અબ્દુલ્લાએ કહયું હતું કે, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સામાન્ય લોકો સુધી સરળતાથી ઇ-બાઇક પહોંચી શકશે. જેનો લોકોને વધુમાં વધુ ફાયદો મળશે. છ સીટર ઇ-બાઇક પ્રતિ કલાક ૪૦ કિ.મી.ની ઝડપે ચાલી શકે છે.