તાઇવાનનું મંદિર ૪પ ડિગ્રી સુધી છે નમેલું
દુનિયામાં સાત અજાયબી હોવાની વાત સર્વવિદિત છે. પરંતુ અનેક એવી પણ ઇમારતો, સ્થાપત્યો છે જેનો અજાયબીના લિસ્ટમાં સમાવેશ કરાયો નથી. તાઇવાનમાં આવેલું એક મંદિર ગ્રેવિટીથી વિપરીત જમીનથી ૪પ ડિગ્રી સુધી નમેલી હાલતમાં છે. જેને જોનારા આશ્ચર્યચકિત થઇ રહ્યા છે. કેટલાક સહેલાણીઓ આ મંદિરની સરખામણી ઇટલીના લીનિંગ ટાવર ઓફ પીસા સાથે કરી રહ્યા છે.
તાઇવાનના પ્રાંત ચિયાઇ કાઉન્ટીમાં આ મંદિર આવેલું છે. જો કે શરુઆતથી મંદિર નમેલું નહતું. પરંતુ વર્ષ ર૦૦૯માં તાઇવાનમાં મોરાકોટ નામે ભયાનક તોફાન આવ્યું હતું. તબાહી મચાવનાર આ તોફાનમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન થવા સાથે જમીન સરકી ગઇ હતી. અનેક ઇમારતો તૂટી પડી હતી તો કેટલીક પોતાની જગ્યાએથી ખસી ગઇ હતી. આ તોફાનમાં આ મંદિર પણ ૪પ ડિગ્રી સુધી નમી ગયું હતું. જો કે અન્ય કોઇ નુકસાની થઇ નહતી.
જો કે આ મંદિર પહાડથી લગભગ ૧૦૦ મીટર નીચે ખસી ગયું હતું પરંતુ આજદિન સુધી સુરિક્ષત છે. જોકે કેટલાક લોકો આ સ્થળે આવીને માઇકલ જેકસનના જાણીતા લીન સ્ટેપની નકલ પણ કરે છે. જેમાં ફોનને ઢળેલો રાખવાથી મંદિર સીધું દેખાય છે અને નૃત્ય કરનાર વ્યક્તિ નમેલો નજરે પડે છે. આ મંદિરને તાઇવાનના લોકો લીનિંગ ટાવર તરીકે પણ ઓળખે છે, જે ઇટલીમાં આવેલો છે. ઉલ્લેખનીય છે કે, ઇટલીનો આ ટાવર બનાવવાના સમયથી જ નમી ગયો હતો. જે ૧૯૯૦ સુધીમાં પ.પ ડિગ્રી નમ્યો હતો.