Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
જાપાન : દુનિયાનું સૌથી સુંદર તળાવ, જે દેખાય છે મનોરમ્ય પેઇન્ટીંગ જેવું
માનવ નિર્મિત રંગીન તળાવો પૈકીનું આ સૌથી સુંદર તળાવ વર્ષો સુધી ગુમનામ રહ્યું હતું
23/01/2023 00:01 AM Send-Mail
તળાવમાં રંગબેરંગી ફુલો, માછલીઓ અને સુંદર પક્ષીઓ હોય તે સ્વાભાવિક છે. પરંતુ જાપાનમાં આવેલ મોનેટ તળાવ દુનિયાનું સૌથી સુંદર તળાવ તરીકેની ઓળખ ધરાવે છે. પહેલી નજરે આ તળાવ કુદરતે દોરેલ અદ્દભૂત અને મનોરમ્ય પેઇન્ટીંગ જેવું દેખાય છે. આ તળાવમાં હજારોની સંખ્યામાં રંગબેરંગી માછલીઓ, સુંગધી ફુલો અને પાણી વચ્ચે ઉગેલા લીલી વનસ્પતિ અહી આવનાર મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરે છે.

જો કે જાપાનના બહારના વિસ્તારના જંગલમાં છૂપાયેલું આ તળાવ વર્ષો સુધી ગુમનામ રહ્યું હતું. જાપાનના મોટાભાગના લોકો પણ આ ખુબસુરત તળાવ વિશે અજાણ હતા. જો કે સોશિયલ મીડિયા પર અહીંના મુલાકાતીએ ફોટો અને વિડીયો શેર કર્યા બાદ તળાવની લોકપ્રિયતામાં એકાએક ઉછાળો આવ્યો હતો. તળાવની વચ્ચે એક નાનું શિન્ટો મંદિર પણ છે.

પહાડીની તળેટીમાં બનેલું આ તળાવને ઉપરથી જોતા વધુ મનમોહક લાગે છે. તળાવના સ્વચ્છ પાણીમાં તરતી હજારો રંગીન માછલીઓ, ફુલો અને લીલી વનસ્પતિ તેની શોભામાં વધારો કરે છે. આ તળાવની રચના પાછળ એક કહાની હોવાનું માનવામાં આવે છે. જેમાં પ્રસિદ્વ ફ્રાંસીસી ચિત્રકાર કલોડ મોનેટે સ્વપ્નમાં એક તળાવ જોયું હતું. ત્યારબાદ તેણે અનેક તસ્વીરો બનાવી હતી. જે તસ્વીરોને વાસ્તવિક રુપ આપીને આ મોનેટ તળાવ તૈયાર કરાયું હતું. મતલબ કે તસ્વીરમાં ફુલ, માછલીઓ વગેરેની કરાયેલ કલ્પનાને સાકાર કરવામાં આવી હતી. સાથોસાથ પારદર્શક અને સ્વચ્છ પાણી તળાવની સુંદરતામાં ચાર ચાંદ સમાન છે.