Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :
બ્રિટન: દુનિયામાં સૌપ્રથમવાર ગાયના છાણથી દોડશે ર૭૦ હોર્સ પાવરનું ટ્રેકટર
ગાયના છાણ-ગૌમૂત્રને એકત્ર કરીને બનાવાયેલ બાયોમીથેન ભરેલ ક્રાયોજેનિક ટેન્કને ટ્રેકટરમાં ફીટ કરાઇ
23/01/2023 00:01 AM Send-Mail
ભારતમાં ગાયના છાણ-ગૌમૂત્રના ઉપયોગ અંગે સમયાંતરે વાદવિવાદ થતા રહે છે. ગાયના છાણના ઉપયોગ માટેના થતા પ્રયોગોને કેટલાક લોકો મજાક પણ ગણી રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં ગાયના છાણ, ગૌમૂત્રના ઉપયોગ અંગેના પ્રયોગો થતા રહે છે. જેમાં બ્રિટનની એક કંપનીએ તાજેતરમાં ગાયના છાણમાંથી બનેલ મિથેન ગેસથી ચાલતું ટ્રેકટર બનાવ્યું છે.

ર૭૦ હોર્સ પાવરનું મિથેન ચાલિત ટ્રેકટર ડીઝલથી ચાલતા ટ્રેકટર કરતાં જરાપણ કમજોર ન હોવાનું કંપની જણાવી રહી છે. મિથેનથી ચાલતા ટ્રેકટરના કારણે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચશે. ગાયના છાણથી ચાલતું ટ્રેકટર બ્રિટનની બેનામન કંપનીએ તૈયાર કર્યુ છે. છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી કંપની બાયોમીથેન ઉત્પાદન પર શોધ કરી રહી છે. આ નવીન ટ્રેકટરની દુનિયાભરમાં ચર્ચા જાગી છે. કારણ કે માનવામાં આવી રહ્યું છે કે, બાયોમીથેનથી ચાલતું આ ટ્રેકટર કલાઇમેટ ચેન્જના સંકટ સામેની લડાઇમાં ખૂબ મદદરૂપ બનશે.

૧૦૦ ગાયોવાળા એક ફાર્મમાં બાયોમીથેન બનાવવા માટે કંપનીએ યુનિટ તૈયાર કર્યુ છે. આ યુનિટમાં ગાયનું છાણ, ગૌમૂત્ર એકત્ર કરવામાં આવે છે. જેમાંથી બાયોમીથેન તૈયાર કરાય છે. ત્યારબાદ બાયોમીથેનને એક ક્રાયોજેનિક ટેન્કમાં ભરીને તે ટેન્કને ટ્રેકટરમાં ફીટ કરવામાં આવી હતી. ક્રાયોજેનિક ટેન્કમાં -૧૬૦ ડિગ્રી તાપમાન લિક્વિફાઇડ મિથેન રહે છે. ડીઝલવાળા ટ્રેકટર જેટલી જ આ ટ્રેકટરની ચાલવાની ઝડપ છે. બેનામન કંપનીના સહસંસ્થાપક ક્રિસ માનનું કહેવું છે કે, ટી-૭ તરલ મિથેન ઇંધણથી ચાલનારું આ દુનિયાનું સૌપ્રથમ ટ્રેકટર છે. કૃષિ ઉદ્યોગને ડીકાર્બોનાઇઝ કરવા તરફ આ પહેલું કદમ છે. કંપની આ ટ્રેકટરના વ્યાપક ઉપયોગની સંભાવના વ્યકત કરી રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઇલેકટ્રીક વાહનોને ચાર્જ કરવામાં ગાયના છાણનો ઉપયોગ વધશે. જેથી આ પ્રક્રિયામાં મીથેનની સાથે છાણ પણ મળશે. કંપનીનું કહેવું છે કે, મીથેન બનાવ્યા બાદ ગાયના છાણની ટેન્કમાંથી બહાર કાઢવામાં આવશે. જે ખૂબ ઉપજાઉ હોય છે. જેનો ખેતરોમાં ઉપયોગ કરીને સીઝનલ પાકોનું ઉત્પાદન વધારી શકાય છે. સાથોસાથ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ક્રમશ: ઘટતો જશે.