ખેડા જિલ્લા પંચાયતના મરીડા બેઠકના સભ્યની ગેરલાયકાતને હાઇકોર્ટે માન્ય રાખી
ત્રણ સંતાનો હોવાથી હોદ્દા પરથી દૂર કરવાના વિકાસ કમિશ્નરના હુકમને સભ્યએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો: ડીડીઓ દ્વારા તપાસમાં ત્રીજા સંતાન અંગેની સાચી માહિતી છૂપાવીને ચૂંટણી અધિકારી સમક્ષ સભ્યએ ખોટું સોગંદનામું કર્યુ હોવાનું જાણવા મળ્યું હતું
ખેડા જિલ્લા પંચાયતની મરીડા બેઠકના સભ્યને ત્રણ સંતાનો હોવાથી તેઓને હોદ્દા પરથી દૂર કરાયા હતા. વિકાસ કમિશ્નરના આ હુકમને સભ્યએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જો કે હાઇકોર્ટે સભ્યને ગેરલાયકાતને માન્ય રાખી હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતોમાં મરીડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરબતસિંહ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. બાદમાં તેઓ વિરુદ્વ ફરિયાદ મળી હતી કે તેઓને બે કરતાં વધુ સંતાનો હોવાથી ગુજરાત પંચાયત એકટની જોગવાઇઓ મુજબ તેમને ગેરલાયક ઠરાવવા જોઇએ. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે, કાયદાના અમલ બાદ ત્રીજું સંતાન થયા સંબંધી સાચી માહિતી છૂપાવવામાં આવી હતી અને ચૂંટણી અધિકારી સમક્ષ ખોટું સોગંદનામું કર્યુ હતું. આ તપાસ અહેવાલ વિકાસ કમિશ્નરને મોકલી અપાયો હતો. જેના આધારે સભ્યને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો હતો અને બાદમાં સુનાવણી હાથ ધરાઇ હતી.
જેમાં પરબતસિંહ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગેરલાયક ઠરતા હોવાથી સભ્યપદેથી ગેરલાયક ઠરાવાયા હતા. જો કે આ હુકમ સામે સભ્યએ હાઇકોર્ટમાં વકીલ મારફતે દલીલ કરી હતી કે, અરજદારે ચૂંટણીના એક માસ અગાઉ તેમના દિકરાની જન્મતારીખ ર૪ માર્ચ,ર૦૦૭ને બદલે ર૮ ડિસે.ર૦૦પ હોવાનું સોગંદનામું રજૂ કર્યુ હતું.
જેમાં જન્મતારીખમાં ફેરફાર કરવા અંગે જણાવેલ કે તે સમયે નિશાળમાં તેમનો દિકરો ર૦૦પમાં જન્મ્યો હોવાનો કોઇ પુરાવો રજૂ કર્યો ન હતો. જો કે ડીડીઓ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં ઉજાગર થયું હતું કે, નડિયાદની હોસ્પિટલમાં સભ્યના દિકરાનો તા. ર૪ માર્ચ,ર૦૦૭ના રોજ જન્મ થયો હતો અને નડિયાદ પાલિકામાં તેની નોંધણી થઇ છે. ઉપરાંત શાળામાં પ્રવેશ સમયે પણ આ જ જન્મતારીખ નોંધાયેલ છે.
આ કેસમાં દલીલો સહિતના પુરાવા, દસ્તાવેજો ધ્યાને લઇને હાઇકોર્ટે વિકાસ કમિશ્નરના હુકમને યથાવત રાખ્યો હતો.