કપડવંજના યુવાને લોનની ભરપાઈ કરવા છતાં બે મોબાઈલ ધારકે મોર્ફ તસ્વીર વાયરલ કરતાં ફરિયાદ
મોર્ફ કરેલી તસ્વીરો મિત્રોને મોકલાઈ : પોલીસે બન્ને મોબાઈલ ધારકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા
કપડવંજના નોકરિયાત યુવાને મેળવેલ લોનની ભરપાઈ કરી છતાં પણ અજાણ્યા બે મોબાઈલ ધારકે સંપર્ક કરી યુવાનની મોર્ફ તસ્વીર વાયરલ કરતાં ચકચાર મચી જવા પામી છે.
આ મોર્ફ તસ્વીરો યુવાનના મિત્રોને વાયરલ કરાતાં અંતે સમગ્ર મામલે યુવાને કપડવંજ ટાઉન પોલીસમાં અજાણ્યા બે મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર કપડવંજ શહેરમાં નડિયાદ રોડ પર મધુવન પાર્ક સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય પ્રિયેશ નીતિનભાઈ રાણા પોતે ખાનગી લેબોરેટરીમાં નોકરી કરે છે. ગત ૬ જાન્યુઆરીના રોજ આ પ્રિયેશે ઓનલાઈન લોન લેવા માટેની એપ્લિકેશન યુ ટ્યુબ ઉપર જોઈ હતી અને એ મારફતે એક એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી હતી જેમાં માંગ્યા મુજબનો બધો જ ડેટા પ્રિયેશે આપ્યો હતો અને પોતાનો મોબાઈલ નંબર પણ સાથે આધારકાર્ડ, પાનકાર્ડ ઉપરાંત ઈ મેલ આઈડી પણ આ એપ્લિકેશનમાં શેર કર્યું હતું અને આ એપ્લિકેશનમાં ત્રણ કંપની હતી. જેમાં એક કંપનીમાંથી રૂા. ૧૩,૫૦૦ લીધા હતા, જેમાંથી ખાતામાં રૂા. ૬૦૦૦ આવેલા. જે લોનના રૂપિયા પરત આ એપ્લિકેશનમાં જ નાંખવાના હતા.
જેથી આ પ્રિયેશે આ એપ્લિકેશનમાં જ આ લોનના હપ્તા મળી કુલ રૂા. ૧૩,૫૦૦ ભરી દીધા હતા. આમ છતાં પણ બે મોબાઈલ ધારકોએ પ્રિયેશભાઈને ફોન કરી જણાવ્યું હતું કે તમે લોનના હપ્તા ભરી દો નહીં તો તમારા બધા સંપર્કો મારી પાસે છે અને હું તમારા ખોટા-ખોટા ફોટા મોર્ફ કરી નાંખીશ તેમ કહી પ્રિયેશની મોર્ફ તસ્વીરો તેમના મિત્રોને મોકલી આપી હતી. આથી આ બનાવ સંદર્ભ પ્રિયેશ રાણાએ કપડવંજ ટાઉન પોલીસમાં અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.