કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડાની દૂધ મંડળીના વહીવટદારે દાણ માટે ગ્રાહકને માર મારતા ફરિયાદ
કપડવંજ બસ સ્ટેન્ડ નજીક રૂપજીના મુવાડા ગામની દૂધ મંડળીના વહીવટદારે પશુદાણ માટે ત્યાં હાજર એક દૂધ મંડળીના ગ્રાહક સાથે ઝઘડો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાના બનાવની ફરિયાદ કપડવંજ શહેર પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર કપડવંજના રૂપજીના મુવાડા ગામ ખાતે ખેતરમાં રહેતા કારાભાઈ રાણાભાઈ ચૌહાણ (ઉં.વ.૫૫) ઘરનું કરિયાણું લેવા કપડવંજ બજારમાં આવ્યા હતા ત્યારે તેઓ કપડવંજ બસ સ્ટેન્ડની બહાર આવેલ લારી પર ચ્હા પીવા બેઠા હતા એ સમયે ત્યાં રૂપજીના મુવાડા ગામ ખાતેની દૂધ મંડળીનો વહીવટ કરતો પ્રવિણ ઉદા ચૌહાણ અને ગામના પ્રવિણ શનાભાઈ ચૌહાણ પણ ત્યાં બેઠા હતા.
જેથી કારાભાઈએ ત્યાં બેઠેલ ગામની દૂધ મંડળીનો વહીવટ કરતા પ્રવિણ ઉદા ચૌહાણને અમારું ગાયોનું આવેલ દાણ કેમ આપતા નથી તેમ પૂછ્યું હતું.
જેને લઈ ઉશ્કેરાયેલ પ્રવિણ ગમે તેમ ગાળો બોલી બિભત્સ વર્તન કરી ફેંટ પકડી કારાભાઈને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. જેથી તેમના ઢીંચણના ભાગે છોલાઈ ગયું હતું. દરમ્યાન ભોંય પરથી ઉભા થયેલ કારાભાઈને બીજી વાર પ્રવિણે ફેંટ પકડી નીચે પાડી દઈ ઉપર બેસી ગયો હતો અને તેણે તેમના જમણા હાથની ખોડવાળી આંગળી જોરથી દબાવી લોહીલુહાણ કર્યા
હતા.
બાદમાં ઉભા થયેલ કારાભાઈને પ્રવિણભાઈએ બે થપ્પડ ઝીંકી દઈ આજ પછી દાણનું નામ લઈશ કે દૂધ મંડળીમાં આવીશ તો તને જીવતો જવા દઈશ નહીં તેવી ધમકી આપી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. કપડવંજ શહેર પોલીસે આ મામલે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.